મોટોરોલા ચારુસેટમાં રિસર્ચ એન્ડ ઇનોવેશન સેન્ટર સ્થાપશે

ચાંગાઃ ચાંગાસ્થિત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારુસેટ)માં અમેરિકાસ્થિત મોટોરોલા સોલ્યુશન્સ રાજ્યમાં સૌપ્રથમ રિસર્ચ એન્ડ ઇનોવેશન સેન્ટરની સ્થાપના કરશે. ચારુસેટ અને કંપની વચ્ચે  કેમ્પસમાં યોજાયેલા સમારંભમાં સાતમી સપ્ટેમ્બરે રિસર્ચ અને ઇનોવેશન સેન્ટર સ્થાપવા માટે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સમજૂતી કરારથી સ્થાનિક કુશળ વિદ્યાર્થીઓની ટેલન્ટ બહાર લાવવામાં આવશે.

મોટોરોલા સોલ્યુશન્સ-ટેક્સાસ, USAના યુનિફાઇડ કોમ્યુનિકેશન્સ કોર્પોરેટ વાઇસ પ્રેસિડેન્ટ ક્રિસ પટેલના નેતૃત્વ હેઠળ ઉચ્ચ સ્તરીય ડેલિગેશન MoU પર હસ્તાક્ષર કરવા માટે ચારુસેટની મુલાકાતે આવ્યું હતું. ચારુસેટ સાથે MoU કરવાનો ક્રિસ પટેલનો હેતુ UG-PGના વિદ્યાર્થીઓની ઇન્ટર્નશિપ અને કેમ્પસ પ્લેસમેન્ટનો, ચારુસેટમાં ઇનોવેશન સેન્ટર અને અભ્યાસક્રમના વિસ્તરણ-ફેકલ્ટી ડેવલપમેન્ટનો છે. વળી, માર્ચ-જૂન, 2021માં કંપની દ્વારા અત્યાર સુધીમાં ચારુસેટના 20 વિદ્યાર્થીઓને જોબ અને ઇન્ટર્નશિપ ઓફર થઈ ચૂકી છે અને તેઓ વર્ક ફ્રોમ ઓફર કરી રહ્યા છે.

આ રિસર્ચ એન્ડ ઇનોવેશન સેન્ટરમાં 50થી 55 વ્યક્તિઓની ક્ષમતા ઊભી કરવામાં આવશે. આ સેન્ટર અદ્યતન સુવિધાયુક્ત ત્રણ કોન્ફરન્સ રૂમ, સ્પેશિયલાઇઝ્ડ મોબાઇલ ડેસ્કની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે, જેમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ થશે, જે ચારુસેટ, મોટારોલા અને ભાવિ પેઢીને ઉપયોગી થશે. કંપની ચારુસેટના વિદ્યાર્થીઓને કંપનીમાં નિમણૂક કરશે. કંપની કુશળતા, નિષ્ણાતો, કલાઉડ ડેટા સેન્ટર-સોફ્ટવેર સહિત અનેકવિધ સુવિધાઓ પૂરા પાડશે, જ્યારે ચારુસેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્ક, હાર્ડવેર અને વિદ્યાર્થીઓને કૌશલ પૂરું પાડશે. આ MoU પર હસ્તાક્ષર દરમ્યાન ચારુસેટ યુનિવર્સિટી તરફથી કેળવણી મંડળ-ચારુસેટના પ્રમુખ સુરેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ચારૂસેટમાં શૈક્ષણિક ક્ષેત્રે અનેકવિધ નવીનીકરણ અને પ્રવૃત્તિઓ થતી રહે છે ત્યારે આ સમજૂતી કરાર અંતર્ગત વિદ્યાથીઓના જ્ઞાનમાં વધારો થાય, સંશોધન કરી શકે, ઉચ્ચ ગુણવત્તાયુક્તત શિક્ષણ પ્રાપ્ત થાય, શૈક્ષણિક આદાનપ્રદાન સહિતની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.