અમેરિકામાંથી 1000થી વધુ વિદ્યાર્થીઓ પર ડિપોર્ટ થવાનું જોખમ

અમદાવાદઃ અમેરિકાની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા 1000 વિદ્યાર્થીઓ (મોટા ભાગના ગુજરાતીઓ)ને FBI ડિપોર્ટ (દેશનિકાલ) કરે એવી સંભાવના છે, કેમ કે આ વિદ્યાર્થીઓએ અમેરિકામાં પ્રવેશવા માટે (પરીક્ષા આપવા માટે) ખોટી રીતો અપનાવી છે.

મહેસાણા પોલીસ દ્વારા IELTS કૌભાંડમાં 42 લોકો પર કેસ નોંધ્યો છે, જ્યારે સાયબર સેલે ટોફેલ, IELTS, PTE અને GRE પરીક્ષાઓમાં હેરફેર કરવા બદલ ત્રણ લોકોની ધરપકડ કરી છે. અમેરિકાની યુનિવર્સિટીઓમાં એડમિશન માટે આ પરીક્ષાઓમાં પાસ થવું ફરજિયાત છે.   FBI એક-બે દિવસમાં શહેરમાં આ કૌભાંડને લઈને આવે એવી શક્યતા છે. FBIએ આ માટે 1000 વિદ્યાર્થીઓની યાદી બનાવીને સંપર્ક સાધ્યો છે.

આ કૌભાંડ સંદર્ભે ધરપકડ કરવામાં આવેલા ત્રણ લોકો છે મહેશ્વર ચેરલા, ચંદ્રશેખર કાર્લાપુડી –બંને આંધ્ર પ્રદેશના છે અને હાલમાં તેઓ વડોદરામાં રહે છે અને ત્રીજી વ્યક્તિ સુરતના મોટા વરાછાની સાગર હીરાની છે. પોલીસે આ આરોપીઓ પાસેથી પાંચ લેપટોપ, ત્રણ CPU અને સાત મોબાઇલ જપ્ત કર્યા છે. આ આરોપીઓ ઉચ્ચ શિક્ષિત છે. તેઓ અમેરિકા જવા ઇચ્છતા વિદ્યાર્થી પાસેથી પરીક્ષામાં પાસ કરાવવા માટે રૂ. 70,000 વસૂલતા હતા અને એમાં પણ રૂ. 19,000 એડવાન્સ લેતા હતા, એમ DCP અજિત રાજિયને જણાવ્યું હતું.

જોકે આરોપીઓએ એક વિદ્યાર્થીને GRE પરીક્ષા માટે કેન્દ્રની જાણ કરી હતી, પણ એ કેન્દ્ર એક હોટેલનું નીકળતાં આ વિદ્યાર્થીએ પોલીસને એ વિશે જાણ કરી હતી. એ બાદ આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો.