અમદાવાદઃ મોરબી પૂલ દુર્ઘટના બાદ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. મોરબી દુર્ઘટનામાં આ પહેલી મોટી કાર્યવાહી થઈ છે. મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મોરબી નદીમાં મચ્છુ નદી પર 30 ઓક્ટોબરે એક કેબલ પૂલ તૂટવાને કારણે બનેલી દુર્ઘટનામાં 135 લોકોનાં મોત થયાં હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 175થી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે. આ દુર્ઘટનાનો તપાસનો રેલો નગરપાલિકા સુધી પહોંચ્યો હતો. પોલીસે નગરપાલિકાના મુખ્ય અધિકારી સંદીપસિંહ ઝાલાની ચાર કલાક સુધી પૂછપરછ કરી હતી અને પૂલના કોન્ટ્રેક્ટ સાથે જોડાયેલા દસ્તાવેજોની પુષ્ટિ કરવા માટે તેમને કહ્યું હતું.તપાસકર્તાઓનું કહેવું હતું કે ઓરેવા ગ્રુપ દ્વારા લગાવવામાં આવેલા ખાનગી કોન્ટ્રેક્ટરોએ આ પૂલના મરામત કે નવીનીકરણમાં સ્થિરતા માટે કોઈ વૈજ્ઞાનિક મૂલ્યાંકન નહોતું કર્યું.
પોલીસે આ દુર્ઘટના પછી નવ લોકોની ધરપકડ કરી હતી. સ્થાનિક કોર્ટે આ નવમાંથી ચાર લોકોને પાંચ નવેમ્બર, 2022 સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે. જે નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે, તેમાં ઓરેવા કંપનીના મેનેજર દીપકભાઈ નવીનચંદ્ર પારેખ, મેનેજર નવીન મનસુખભાઈ દવે, ટિકિટ કલાર્ક મનસુખભાઈ વાલજીભાઈ ટોપિયા, ટિકિટ ક્લાર્ક મદનભાઈ લાખાભાઈ સોલંકી, બ્રિજ રિપેરિંગ કોન્ટ્રેક્ટ પ્રકાશભાઈ લાલજીભાઈ પરમાર અને એક વધુ કોન્ટ્રેક્ટર દેવાંગભાઈ લાલજીભાઈ પરમાર સામેલ છે. આ સિવાય ત્રણ સિક્યોરિટી ગાર્ડસની પણ ધરપકડ કરવામાં આવી છે.
બીજી તરફ રાજ્ય સરકારે મોરબીની દુર્ઘટનામાં તપાસ માટે SITની રચના કરી છે. જોકે આ દુર્ઘટના વિશે વડા પ્રધાને મોરબી મુલાકાતમાં આશ્વાસન આપ્યું હતું કે આ દુર્ઘટનામાં જવાબદાર લોકોની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.