રાજકોટઃ આગામી તા. ૨૩ નવેમ્બર થી તા. ૧ લી ડિસેમ્બર સુધી શ્રી મોરારિબાપુના વ્યાસાસને વૃદ્ધાશ્રમ અને વૃદ્ધો માટે યોજાનાર વૈશ્વિક રામકથા માટે આયોજકો એ કોઈ આકસ્મિક ઘટના, આગ કે અકસ્માતના જોખમ સામે રક્ષણ મેળવવા રૂપિયા ૨૦ કરોડનો વીમો લીધો છે. આ રામકથામાં રોજ એક લાખ લોકો આવે તેવું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટના જાણીતા સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા મોરારિબાપુની કથાનું આયોજન રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે કરવામાં આવ્યું છે. રોજ આશરે 50 હાજર લોકો ભોજન પ્રસાદ લઈ શકે તે માટે ખાસ મંડપ ઊભા કરવામાં આવ્યા છે. વિશાળ વ્યાસપીઠ અને ત્રણ જર્મન ડોમ ઊભા કરાયા છે. રાજકોટના અલગ અલગ વિસ્તારમાંથી ભાવિકો કથા સાંભળવા આવી શકે તે માટે ૮ સ્થળેથી બસ ની વ્યવસ્થા વિનામૂલ્યે કરવામાં આવી છે.
રાજકોટની આ રામકથામાં મોટી સંખ્યામાં ભાવિકો આવી રહ્યા હોય તેમની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટમાં થોડા મહિના પહેલા અગ્નિકાંડ ની ઘટનામાં ૨૭ લોકો મોતને ભેટ્યા હતા. આવી કોઈ દુર્ઘટના ન બને તે માટે કથાના આયોજકો સતર્ક બન્યા છે. કથામાં આવવા જવા માટે મોટા ગેઇટ બનાવવામાં આવ્યા છે. ફાયર સેફ્ટીના પૂરતા સાધનો મૂકવામાં આવ્યા છે. આમ છતાં કોઈ અકસ્માત કે આગની ઘટના બને તો સુરક્ષાના ભાગ રૂપે એક કોર્પોરેટ બેંક મારફત ૨૦ કરોડનો વીમો લેવાયો છે તેનું રૂપિયા ૪.૬૦ લાખનું પ્રીમિયમ ભરવામાં આવ્યું છે.
કથાના મુખ્ય આયોજક વિજય ડોબરીયા અને મિત્તલ ખેતાણીએ જણાવ્યું હતું કે, કથામાં કોઈને મુશ્કેલી ન પડે તે રીતે તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. એક મેડિકલ ટીમ પણ મેદાન ઉપર રાખવામાં આવશે. જુદા જુદા વિભાગોમાં આશરે 3000 જેટલા સેવકો સેવા આપી રહ્યા છે. દેશભરમાંથી લોકો આવી રહ્યા છે. તા. 23 મી એ વિશાળ પોથી યાત્રા નીકળશે.
આજે ૨૦ નવેમ્બરે કથા સ્થળે ૧૦૮ કુંડી ગાયત્રી યજ્ઞ કરવામાં આવ્યો હતો. મેદાન અને પોથી યાત્રાના રૂટ ઉપર વિશાળ રંગોળી તૈયાર કરાશે. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા દેશનું સૌથી મોટું આશરે ૩૦૦ કરોડના ખર્ચે ૧૪૦૦ રૂમનું વિશાળ વૃદ્ધાશ્રમ જામનગર રોડ ઉપર બનાવવામાં આવી રહ્યું છે તેના લાભાર્થે આ રામકથા યોજાઇ રહી છે.
(દેવેન્દ્ર જાની,રાજકોટ)
(તસવીર, નીશુ કાચા)
