ગુજરાતમાં ફરી એક વખત વરસાદ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 133 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ પાટણના સાંતલપુરમાં 2.71ઈંચ, બેચરાજીમાં 2.40 ઈંચ, રાધનપુરમાં 2.28 ઈંચ, શંખેશ્વરમાં 1.7 ઈંચ, લાખાણીમાં 1.5 ઈંચ, જોટાણામાં 1.4 ઈંચ, નડિયાદમાં 1.4 ઈંચ, કડીમાં 1.25 ઈંચ વરસાદ નોંધાયો છે. આ દરમિયાન હવામાન વિભાગે પાંચમી સપ્ટેમ્બરથી નવીમી સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ પ્રમાણે આજે બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહિસાગર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, સૌરાષ્ટ્ર-કચ્છના અને દમણ, દાદરા નગર હવેલી જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે આવતીકાલે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અને સાતમી સપ્ટેમ્બર દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્ર-કચ્છમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના અંતમા પડેલા ભારે વરસાદના પગલે ઠેર-ઠેર જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી હતી. વરસાદ માનો મહેરની જગ્યા પર કહેર બની વરસ્યો હોય. ભારે વરસાદના કારણે 49 વ્યક્તિઓના મોત થયા હતા. ઉલ્લેખનીય છે કે હાલ સુધી રાજ્યમાં 108 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. આમ, તમામ ઝોનમાં 100 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.