અમદાવાદઃ શહેરમાં નિત્યાનંદના આશ્રમથી ગુમ થયેલી બહેનોએ ગુજરાત હાઈકોર્ટને કહ્યું છે કે તેઓ કોર્ટ સમક્ષ વેસ્ટ ઈન્ડિઝમાં ઈન્ડિયન હાઈકમિશન અથવા અમેરિકાથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રજૂ થવા માટે તૈયાર છે, જ્યારે કોર્ટે તેમને વ્યક્તિગત રીતે અહીંયા હાજર થવા પર ભાર આપ્યો છે. જનાર્દન શર્માની બન્ને દિકરીઓના એડવોકેટે કહ્યું કે બન્ને વ્યક્તિગત રુપે અહીંયા હાજર ન થઈ શકે કારણ કે તેના પિતા તરફથી તેમને જીવનો ખતરો છે.
જજ એસ.આર.બ્રહ્મભટ્ટ અને જજ એ.પી.ઠાકરની ખંડપીઠે બન્ને બહેનોને વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર થવા પર જોર આપ્યું અને ભરોસો અપાવ્યો કે તેમને પૂરતી સુરક્ષા આપવામાં આવશે. કોર્ટે બન્ને બહેનોના વકીલને નિર્દેશ આપ્યો કે તેઓ બંન્ને તરફથી 19 ડિસેમ્બર સુધીમાં એક જવાબી સોગંદનામુ દાખલ કરે. કોર્ટે આ મામલે હવે પછીની સુનાવણી 20 ડિસેમ્બરે નક્કી કરી છે.
પોલીસે આ પહેલાની સુનાવણી દરમિયાન કોર્ટને કહ્યું હતું કે લોપામુદ્રા શર્મા અને નંદિતા વિદેશ જતી રહી હોય તેવી શક્યતા છે. જનાર્દન શર્માએ પોતાની અરજીમાં કહ્યું હતું કે તેમની દિકરીઓને નિત્યાનંદના આશ્રમમાં ખોટી રીતે રાખવામાં આવી છે.