અમદાવાદ: કોરોના વાઈરસને પગલે લાગુ કરાયેલા લોકડાઉનને લીધે અમદાવાદ શહેરમાં ફસાઈ ગયેલા શ્રમિકોએ આજે અહીં વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા IIM રોડ પર પોલીસો ઉપર પથ્થરમારો કર્યો હતો.
વતન પરત જવા માંગતા અને જીવનજરૂરી ચીજવસ્તુઓના અભાવને કારણે કંટાળી ગયેલા શ્રમિકો હિંસા પર ઉતરી આવ્યા હતા.
હિંસક બનેલા મજૂરોના ટોળાને વિખેરવા પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા હતા. શહેર પોલીસ ફોર્સના જવાનો અને અધિકારીઓએ સ્થળે પહોંચીને સ્થિતિ સંભાળી લીધી હતી અને પથ્થરમારો કરનાર શ્રમિકોની પોલીસે અટકાયત કરી હતી.
વતન જવાની માંગ સાથે મોટી સંખ્યામાં રોડ પર આવી ગયેલા શ્રમિકોના પરિવારોને ભોજન સાથે અન્ય જરૂરી ચીજવસ્તુઓ આપવાની બાહેંધરી આપવામાં આવી હતી.
આ સાથે વતન જવા માટે પરવાનગી તેમજ યોગ્ય વ્યવસ્થાના પ્રયાસો કરવાની ઉચ્ચ અધિકારીઓ દ્વારા ખાત્રી આપવામાં આવી હતી. તોફાને ચઢી કાયદો હાથમાં લેનારા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
(પ્રજ્ઞેશ વ્યાસ)