અમદાવાદઃ સ્ટ્રેટેજિક માર્કેટિંગ અને કમ્યુનિકેશન ક્ષેત્રમાં ભારતની અગ્રગણ્ય ઈન્સ્ટિટ્યૂટ MICA અમદાવાદએ ડો. ગીતા હેગડેને તેના નવાં ડીન તરીકે નિયુક્ત કર્યાં છે. ડો. ગીતા હેગડે શૈક્ષણિક, કન્સલ્ટિંગ તથા ઉદ્યોગક્ષેત્રમાં 30થી વધારે વર્ષનો અનુભવ ધરાવે છે. નવા ડીનની પસંદગી કરવા માટે MICAની ગવર્નિંગ કાઉન્સિલે એક ખાસ સમિતિની રચના કરી હતી, જેણે આ પદ માટે ડો. ગીતા હેગડેનાં નામની સર્વાનુમતે ભલામણ કરી હતી, જેને ગવર્નિંગ કાઉન્સિલે માન્ય રાખી છે. તેઓ એમનો હોદ્દો આવતી 17 ઓક્ટોબરથી સંભાળશે.
પોતાની આ નિમણૂક વિશેના પ્રત્યાઘાતમાં ડો. ગીતા હેગડેએ કહ્યું કે, હું MICA ટીમમાં સામેલ થવા બદલ ઉત્સાહિત છું. મને આ પ્રતિષ્ઠિત અને અગ્રગણ્ય બિઝનેસ સ્કૂલનાં ડીન તરીકે નિયુક્ત કરાઈ એને હું મારું ગૌરવ સમજુું છું.
ડો. ગીતા હેગડે આ પહેલાં દેહરાદૂનની ખાનગી યુનિવર્સિટી UPESમાં બિઝનેસ સ્કૂલનાં ડીન હતાં. એ ઉપરાંત તેઓ સ્કૂલ ઓફ મોડર્ન મીડિયા અને સ્કૂલ ઓફ લૉનાં ડીન તરીકે પણ સેવા બજાવતાં હતાં. MICAના ડીન પદેથી ડો. પ્રીતિ શ્રોફે રાજીનામું આપતાં તે પદ ઉપર ડો. હેગડેની નિમણૂક કરવી પડી છે. ડો. શ્રોફ સંસ્થાના પ્રેસિડન્ટ અને ડાયરેક્ટરના વરિષ્ઠ સલાહકાર તરીકે MICAમાં સેવા બજાવવાનું ચાલુ રાખશે.