અમદાવાદના ચંડોળા તળાવ પર મેગા ઓપરેશન, હાઈકોર્ટે સ્ટેની અરજી ફગાવી

ગુજરાતના અનેક શહેરોમાં ગેરકાયદે વિદેશીઓ વિરુદ્ધ તંત્ર દ્વારા વધુ ચુસ્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં રાજ્યનું સૌથી મોટું મેગા ડિમોલિશન ઓપરેશન જોવામાં મળ્યું. અહીં વર્ષોથી વસવાટ કરતા બાંગ્લાદેશી ઘૂસણખોરો અને તેમના બનાવેલા ગેરકાયદે નિવાસોને તોડી પાડવા માટે બે હજારથી વધુ પોલીસ જવાનો, ક્રાઇમ બ્રાન્ચ, SRP અને SOG જેવી ટીમો તૈનાત કરાઈ. 50 જેટલા બુલડોઝર અને ડમ્પર સાથે તળાવના આસપાસના વિસ્તારને ખાલી કરાવવામાં આવી રહ્યો છે, જ્યાંથી અત્યારસુધી 800થી વધુ શંકાસ્પદ લોકો અટકાવવામાં આવ્યા છે.

આ ઓપરેશન દરમિયાન સૌથી ચર્ચાસ્પદ નામ લલ્લા બિહારીનું છે, જેના પર આરોપ છે કે તેણે બાંગ્લાદેશી ઘૂસણખોરોને નકલી દસ્તાવેજો સાથે વસાવ્યા અને ભાડે મકાન આપ્યાં. તેનું ફુલ ફેસિલિટીવાળું ગેરકાયદે ફાર્મહાઉસ તોડી પાડવામાં આવ્યું છે. લલ્લા બિહારી પશ્વિમ બંગાળથી વ્યક્તિ દીઠ 10થી 15 હજાર રૂપિયા લઈને બાંગ્લાદેશીઓ લાવતો હતો અને તેમને વસવાટ માટે જગ્યા આપતો હતો. હાલ તેની અને તેના પુત્ર ફતેહની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચને સોંપ્યા છે.

ડિમોલિશન પ્રક્રિયાને રોકવા માટે 18 જેટલા રહેવાસીઓએ હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેમાં દલીલ આપવામાં આવી કે તેઓ બાંગ્લાદેશી નહી, સ્થાનિક રહેવાસી છે અને તેમને કોઈ નોટિસ કે પુનર્વસન વિના મકાન તોડવામાં આવી રહ્યા છે. પણ હાઈકોર્ટે આ તમામ દલિલો ફગાવીને સ્ટે આપવાનો ઈનકાર કર્યો છે. ચંડોળા તળાવ નજીક છેલ્લા 14 વર્ષથી દોઢ લાખ સ્ક્વેર મીટરથી વધુ સરકારી જમીન પર દબાણ હતું. હવે તે દબાણ સામે તંત્ર દ્વારા પહેલીવાર મોટાપાયે કાર્યવાહી હાથ ધરાઈ છે.