રાજ્યનાં અનેક શહેર જળબંબોળઃ હજી ત્રણ દિવસ સુધી અતિ ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદ થઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મહેસાણા, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છ તથા પાટણમાં ભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને લીધે રાજ્યમાં નદીઓ અને ડેમો ઓવરફ્લો થયા છે. અનેક શહેરોમાં જનજીવનને માઠી અસર પહોંચી છે. અનેક ગામો સંપર્કવિહોણાં થયાં છે. ભારે વરસાદને લીધે અનેક શહેરો જળબંબોળ થયાં છે. ક્યાંક રસ્તાઓ ધોવાયા છે તો ક્યાંક કેનાલ તૂટવાને કારણે ખેતરોમાં અને ઘરોમાં પાણી ઘૂસી ગયાં છે. પાછલા છ કલાકમાં સૌથી વધુ રાજકોટના ગોંડલમાં 6.5 ઇંચ અને દ્વારકાના ભાણવડમાં 4.25 ઇંચ  મિમી. જેટલો ભારે વરસાદ વરસ્યો છે. NDRF અને SDRFની ટીમોને તૈયાર રાખવામાં આવી છે.

તમામ કલેક્ટરોને હાઇ એલર્ટ

રાજ્યમાં પડી રહેલા સાર્વત્રિક વરસાદથી ધરોઈ ડેમમાં વધતાં પાણીને પગલે અમદાવાદ કલેક્ટર કચેરીએ એલર્ટ રહેવા આદેશ આપ્યો છે. જિલ્લાના તમામ મામલતદાર, પ્રાંત અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીને તકેદારીનાં પગલાં લેવા જાણ કરવામાં આવી છે.

કચ્છમાં 188  ટકા વરસાદ

કચ્છમાં આ વર્ષે ભારે વરસાદ વરસ્યો છે.  ગઈ કાલ સુધી કચ્છમાં સીઝનનો 188 ટકા વરસાદ નોંધાયો છે. કચ્છનો ટપ્પર ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતાં ત્રણ દરવાજા ખોલવમાં આવ્યા છે.. ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવતાં ડેમ નીચે આવતાં 12 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. કચ્છમાં વરસાદથી ભુજ-માધાપર હાઇવે પર પાણી ભરાયા છે. પાણીને કારણે વાહનચાલકોને ખૂબ પરેશાની ભોગવવી પડી હતી. 

કડીમાં જળબંબોળ

મહેસાણા શહેરમાં વરસેલા વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. સરકારી કર્મચારીઓ માટેના આવાસમાં ઢીચણ સુધી પાણી ભરાયાં છે. મહેસાણાના કડીમાં પાંચ ઇંચ વરસાદથી જળબંબાકાર થઈ ગયું છે. કડી-થોળ રોડ પર આવેલા અંડરબ્રિજમાં છ ફૂટ જેટલા પાણી ભરાઈ જતા ખાનગી ટ્રાવેલ્સ અને ટ્રક ફસાઈ ગયા હતા.

જામનગરમાં છેલ્લા 24 કલાકમાં 35 ઇંચ વરસાદ

જામનગરમાં છેલ્લા 24 કલાકમાં 35 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. સૌથી વધારે જોડિયામાં 16 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સાથે જામનગરમાં 5 ઇંચ, કાલાવડમાં 3 ઇંચ, ધ્રોલમાં 6 ઇંચ, લાલપુરમાં 3 ઇંચ, જામજોધપુરમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે. જામનગરના 24 જળાશયોમાંથી 16 ડેમ ઓવરફ્લો થયા છે.

 પાટણમાં અનેક ગામો સંપર્કવિહોણાં

પાટણના સરસ્વતી તાલુકામાં 209 મિમી, રાધનપુરમાં 162 મિમી, હારીજમાં 156 મિમી, પાટણમાં 152 અને સિદ્ધપુરમાં 149 મિમી વરસાદ થયો છે.  બનાસ નદીનો જળ સ્તર વધતાં પાટણના સાંતલપુરમાં આવેલાં અનેક ગામો સંપર્કવિહોણાં થયાં છે. ભારે વરસાદને લીધે અનેક સ્થળોએ લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

વિરમગામમાં કેનાલ તૂટતાં ખેતરોમાં પાણી

અમદાવાદ જિલ્લાના વિરમગામના રૂપાવટી અને અસલગામ પાસે કેનાલ તૂટતાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે, જેથી ખેતરોમાં કરાયેલા વાવેતરને વ્યાપક નુકસાન થયું છે.

 મોરબીના ટંકારામાં 10.8 ઇંચ વરસાદ

મોરબીમાં ભારે વરસાદ પડ્યો હતો. મોરબીના ટંકારમાં છેલ્લા 24 કલાકમાં 10.8 ઇંચ વરસાદ નોંધાયો છે. હળવદમાં 3 ઇંચ, મોરબીમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. મચ્છુ 2 ડેમ ઓવરફ્લો થતાં મોરબી- કચ્છ હાઇવે બંધ કરવામાં આવ્યો છે. મોરબી APMCમાં પણ ઢીંચણ સુધી પાણી ભરાઈ ગયાં છે. APMCના અનેક વેપારીઓની દુકાનમાં એકથી બે ફૂટ પાણી ભરાઈ ગયા છે.

ઉકાઈ ડેમમાંથી 1.30 લાખ ક્યુસેક પાણી છોડાયું

સુરતમાં વિયર કમ કોઝવે 9.32 મીટરથી ઓવરફ્લો થઈ ગયો હતો. એ સાથે જ ઉકાઈ ડેમમાંથી 1.30 લાખ ક્યુસેક પાણી છોડાયું છે, જેથી સુરતમાં તાપી કિનારાના નીચાણવાળા વિસ્તારમાં સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. તાપી નદીમાં પાણીની આવક વધતા અડાજણ રિવરફ્રન્ટ પાણીમાં ગરકાવ થયો છે.

ગોંડલમાં પણ ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી

રાજકોટના ગોંડલમાં પણ ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાયા છે. ગોંડલનુ અક્ષર મંદિર વરસાદી પાણીમાં ગરકાવ થયું છે.

હજી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજુ પણ આગામી 48થી 72 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વિભાગે અમદાવાદ અને ગાંઘીનગર સહિત ઉતર ગુજરાતમાં પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને સૌરાષ્ટ્રમાં વ્યાપક વરસાદ વરસવાની આગાહી કરી છે. આ ઉપરાંત જામનગર, દ્વારકા, મોરબી અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત અને વલસાડમાં વ્યાપક વરસાદની આગાહી કરવામાં છે. બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર બનું રહ્યું છે. જેની અસર ગુજરાતમાં 26 ઓગષ્ટ પછી જોવા મળશે. રાજ્યમાં વરસેલા કુલ વરસાદની ટકાવારી 102 ટકા નોંધવામાં આવી છે. અત્યાર સુધીમાં 18 ટકા વધુ વરસાદ વરસ્યો છે.