અમદાવાદ : મંજુલા શ્રોફ, હિતેન વસંત અને અનિતા દુઆએ ધરપકડથી બચવા માટે હવે હાઈકોર્ટની શરણ લીધી છે. આરોપીઓએ આગોતરા જામીન માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે. અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટે આરોપીઓની અરજી ફગાવતા તેમણે હાઇકોર્ટમાં અરજી કરી છે. આ કેસમાં શુક્રવારે સુનાવણી હાથ ધરાશે. પોતાની ધરપકડથી બચવા આરોપીઓ હાલ ભૂગર્ભમાં છે. આરોપીઓ વગદાર હોવાથી કેસની તપાસને અસર પાડી શકે તે પ્રકારની સરકારની રજુઆતોને ગ્રાહ્ય રાખતા આ પહેલા જિલ્લા ગ્રામ્ય કોર્ટે આરોપીઓની અરજી ફગાવી હતી.
મંજુલા શ્રોફ ,હિતેન વસંત અને અનિતા દુઆની આગોતરા જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી હતી. કોર્ટનું અવલોકન હતું કે આરોપીઓ પર ગંભીર પ્રકારનો ગુનો છે અને કેસની તપાસમાં આરોપીઓની હાજરીની જરૂર છે. આરોપીઓ વગદાર હોવાથી સાક્ષીઓ સાથે ચેડાં થઈ શકે છે માટે આગોતરા જામીન આપી શકાય નહીં. આગામી દિવસમાં ત્રણેયની ધરપકડ થઈ શકે છે.
આરોપીઓના વકીલે કહ્યું કે ગ્રામ્ય કોર્ટનાં ચુકાદાને હાઈકોર્ટમાં પડકારીશું અને હવે તેઓ હાઈકોર્ટની શરણે આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડીપીએસ સ્કૂલ વિવાદ મામલે મંજુલા શ્રોફ, હિતેન વસંત અને અનિતા દુઆએ જામીન મેળવવા માટે કરેલી અરજીની સુનાવણીમાં બન્ને પક્ષે દલીલો અને રજૂઆતો પૂર્ણ કરવામાં આવી હતી. સુનાવણીમાં આરોપીઓના પરિવારજનો અને વકીલોનો જમાવડો થયો હતો. કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. આ સમગ્ર પ્રકરણમાં તપાસ કરી રહેલા પોલીસ અધિકારી આર.બી. રાણાએ મીરઝાપુર કોર્ટમાં એક એફિડેવીટ કરીને આરોપીઓની જામીન અરજીનો વિરોધ કર્યો હતો અને તેમને જામીન પર મુક્ત ન કરવાની રજૂઆત કરી હતી. સમગ્ર એફિડેવિટીમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે આ કેસના આરોપીઓની હાજરી સ્કૂલની મંજૂરી માટે લેવામાં આવેલી બનાવટી એનઓસી રિકવર થઇ શકે એમ નથી.
આરોપીઓએ એનઓસી મેળવવાની દરખાસ્તમાં તંત્રને ઇરાદાપૂર્વક ગેરમાર્ગે દોરી ખોટી વિગતો રજૂ કરી હોવાથી આ ગૂનાની તટસ્થ અને ન્યાયીક તપાસ માટે પણ આરોપીઓની હાજરી જરૂરી છે. તપાસ અધિકારી તરફથી એફિડેવિટમાં કોર્ટને એવી વિનંતી પણ કરવામાં આવી હતી કે આ કેસના આરોપીએ સહ આરોપીઓ સાથે મળીને એનઓસી મેળવવાની દરખાસ્તમાં ખોટી માહિતી આપી હતી. આ એનઓસીનો ઉપયોગ કરી સીબીએસઇ બોર્ડની માન્યતા મેળવી હતી. જે શિક્ષણ જગતને કલંકરૂપ ગંભીર ગૂનો કર્યો છે. વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ સાથે છેતરપિંડી કરી શિક્ષણ ક્ષેત્રે ખરાબ છાપ ઊભી કરનારું કાવતરું કર્યું છે. જો આરોપીઓને આગોતરા જામીન ઉપર મુક્ત કરવામાં આવશે તો તેઓ પુરાવા સાથે ચેડાં કરશે એવી શક્યતા છે. તેથી તેમને જામીન પર મુક્ત ન કરવા જોઇએ.