રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ, ખેડૂતોનો પાક બગડ્યો

અમદાવાદઃ દક્ષિણ-પૂર્વ રાજસ્થાન તથા દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં સાઇક્લોનિક અપર એર સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં માગશર મહિનામાં અષાઢી માહોલ સર્જાતાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડયો છે. સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત, ખેડા જિલ્લામાં, અમદાવાદ જિલ્લામાં તોફાની વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડયો છે. બનાસકાંઠાના દિયોદરમાં તોફાની પવન સાથે પોણા બે ઇંચ વરસાદ પડતાં રવી પાકમાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ચોમાસામાં ભારે વરસાદે ખેડૂતોની હાલત ખરાબ કરી હતી, હવે ભર શિયાળે કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. અચાનક ભારે પવન સાથે આવેલા વરસાદના કારણે રવી પાકને મોટા પાયે નુકશાન પહોંચે તેવી ખેડૂતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

ચાલુ વર્ષે ખેડૂતો ઉપર કુદરત રૂઠી હોય તેમ માવઠાનો માર ઓછો થતો ન હોય તેમ ગુરુવારે સૌરાષ્ટ્રના ગોંડલ, કાલાવાડ, જસદણ સહિત અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ પડતાં મરચી, ડુંગળી, લસણ, ચણા સહિતના પાકને ભારે નુકસાન થયું છે.

ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા-અરવલ્લી, પાટણ અને બનાસકાંઠામાં વરસાદથી ઘઉં, બટાટાં, મગફળી, તુવેર, કપાસ, ઇસબગૂલ, જીરુ સહિતના પાકને મોટાપાયે નુકસાન થયું છે. સૂઈગામમાં કરા સાથે વરસાદ પડયો છે.

પાલનપુર, અંબાજી, દાંતા, ધાનેરા, હિંમતનગર, થરાદ, ઈડર, ખેડબ્રહ્મા, પોશીના, નડિયાદ સહિતના વિસ્તારોમાં વરસાદથી  ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. અમદાવાદમાં ગત પણ મોડી સાંજે છાંટા પડયા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]