દિલ્હીઃ ગુજરાતના જાણીતા ગાયક મનહર ઉધાસના 35 મા ગુજરાતી ગઝલ આલ્બમ અફલાતૂનનું દિલ્હીમાં વિમોચન થયું. ગુજરાતી સાંસ્કૃતિક કેન્દ્રના ઉપક્રમે રાજધાનીમાં આઈટીઓ નજીકના હિન્દી ભવનમાં કાર્યક્રમ યોજાયો હતો. વિનોદભાઈ પટેલે ‘અફલાતૂન’ મ્યુઝિક સીડીનું વિમોચન કર્યું હતું. આ અવસરે મનહર ઉધાસ સાથે સંવાદ યોજાયો. મનહર ઉધાસે તેમની ગાયક તરીકેની સફરની અંતરંગ અને બહુ રોચક વાતો શ્રોતાઓ સમક્ષ વ્યક્ત કરી હતી. તેમણે પોતાનાં કેટલાંક ગીતો અને વિશેષ કરીને પોતે ગાયેલી ગઝલોના શેર સંભળાવી સૌને ડોલાવ્યા અને મંત્રમુગ્ધ કર્યા હતા.
પ્રારંભે કેન્દ્રના પ્રમુખ વિરાટ શાહે સ્વાગત અને પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. માતૃભૂમિ પ્રકાશનોના પ્રાદેશિક પ્રબંધક અને કેન્દ્રના અગ્રણી સભ્ય મીતા સંઘવીએ આ આયોજનમાં મહત્વની સેવા આપી હતી. વિનોદ પટેલે જણાવ્યું કે દિલ્હીના ગુજરાતી સાહિત્ય-સંસ્કૃતિ વર્તુળમાં આ એક વિશિષ્ટ કાર્યક્રમ છે જેની વિશેષ નોંધ લેવાઈ છે. જગદીપ રાણાએ એક મહાન ગુજરાતી કલાકાર સાથે સાહિત્ય ગોષ્ઠીનો આ કાર્યક્રમ દિલ્હીના ગુજરાતીઓ માટે એક નવીન ઉષ્માને ઉત્સાહભર્યો લ્હાવો તરીકે ગણાવ્યો. આ પ્રસંગે દિલ્હીના ગુજરાતી અગ્રણીઓ મહેન્દ્ર ભટ્ટ, ડી.કે.શાહ, સાધના બકુલ વ્યાસ, મીના શાહ, મહેન્દ્ર વેદ, કે.કે. શાહ, પ્રફુલ જોશી, ધનંજય વ્યાસ, મહેન્દ્ર પટેલ, પારુલ ભરત દેસાઈ વગેરે હાજર રહ્યા હતા.