રાજકોટ: પડઘરી તાલુકામાં બે દિવસ પહેલા જિલ્લા પોલીસ વડા કચેરીએ આત્મવિલોપનનાં પ્રયાસનાં મામલામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ મામલામાં આત્મવિલોપન કરવાનો પ્રયાસ કરનાર મહેશ હાપલીયાને જ પોલીસે ગુનેગાર ગણાવ્યો છે. પોલીસે ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે. આ આખુ નાટક જમીન પચાવવા માટે કર્યું હોવાનું સામે આવ્યું છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે પડધરી તાલુકાનાં ન્યારા ગામે નાનાની વારસાઈ જમીનમાં મામા, માતા સહિત આઠ વારસદારોની ખેતીની જમીન પડાવી લેવા અને પોલીસ મદદ ન કરતી હોવાના આક્ષેપ સાથે એસ.પી.કચેરીએ દવા પીવાનું નાટક કર્યું હતું. જાલીનોટના આરોપી મહેશ શંભુભાઈ હાપલીયા રહે. માધવપાર્ક યુનિવર્સિટી રોડ તથા મહેશના સાગરીતો બોગસ દસ્તાવેજ બનાવવાના આરોપી બીજલ ભરવાડ સામે પડધરી પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે.
મહેશની માતાનાં ભાગમાં આવેલી 30 ગુઠા જમીન મહેશે બીજલ સાથે સોદો કરીને 40 લાખમાં વેચી નાખી હતી. જમીનનો કબજો મહેશના મામા મોહનભાઈ ઉકાભાઈ ઝાલાવાડીયા પાસે છે અને તે જમીનમાં વાવેતર કરે છે. મહેશ અને બીજલે ઉભા પાક, મોલાત પર રોટાવેટર ફેરીવી નુક્સાન કરી મોહનભાઈને ધમકી આપી જમીનનો કબજો લેવા પ્રયાસ કર્યો હતો.
જે અંગે મામા મોહનભાઇએ પડધરી પોલીસમથકે અરજી કરી હતી જેમાં મહેશની અટકાયત કરવામાં આવી હતી. જમીનનો કોર્ટ વિવાદ પણ હાલ ચાલુ છે. તે છતાં મહેશે પોલીસ કાઈ પગલા લેતી નથી હોવાના આક્ષેપ કર્યા હતાં. પોતાના મામાને દબાવવા માટે ખોટી અરજી કરી હતી. એસ.પી. કચેરી રાજકોટ સામે દવા પીવાનું નાટક કર્યું હતું.