અમદાવાદઃ જગતપુર પાસે એક ફ્લેટના 5મા માળે વિકરાળ આગ, અનેક લોકોના જીવ તાળવે ચોંટ્યા…

અમદાવાદઃ અમદાવાદ જગતપુર ગામમાં આવેલા ગણેશ જીનેશીસ બિલ્ડીંગનાં પાંચમા માળે એક ઘરમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ આગ પાંચમા માળેથી આઠમા માળ સુધી પ્રસરી ગઇ છે. આ વિસ્તાર ગોદરેજ ગાર્ડન સીટી પાસે આવેલો છે. ફાયરની 10 ટીમો ઘટનાસ્થળે આવી પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો.

જગતપુર વિસ્તારમાં આવેલા ગણેશ જેનસિસ ફ્લેટના પાંચમાં માળે એસીનું કોમ્પ્રેશર ફાટતા આગ લાગી હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની 8થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. ત્યારે આ ભિષણ આગમાં 35 લોકો ફસાયા હતા. તમામ ઇજાગ્રસ્તને સારવાર માટે સોલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા આવ્યા છે.

સુરત જેવી આગની ઘટનાથી અમદાવાદમાં પણ ફફડાટ ફેલાયો છે. સુરતની ઘટનામાં ફાયર ટીમ પાસે અદ્યતન સાધનોની કમી હતી પરંતુ અહીં સ્થિતિ વિપરીત છે. અમદાવાદ ટીમ પાસે અદ્યતન સાધનો તો છે પરંતુ એને સારી રીતે ઓપરેટ કરનાર ઓપરેટર ન હોવાની સ્થિતિ પણ સામે આવી છે. સ્કાયલિફ્ટ હોવા છતાં તે ઓપરેટ ન કરી શકાતાં ફાયર જવાનો દ્વારા મેન્યુઅલી રીતે ફસાયેલા લોકોને બચાવવા પ્રયાસ કરાયો હતો.

ધટનાસ્થળે એમ્બ્યુલન્સ પણ આવી પહોંચી હતી. સ્થાનિકો અને ફાયર વિભાગની ટીમે રાહત કામગીરી ચાલુ કરી હતી. આ વિકરાળ આગને કારણે એકથી બે લોકોને શ્વાસ રૂંધાવાને કારણે એમ્બ્યુલન્સમાં લઇ જવામાં આવ્યાં હતા. ફાયરની ટીમ દ્વારા 6થી 7 લોકોને બચાવ્યાં હોવાનું જાણવા મળ્યું છે. આસપાસમાં આવેલા પોલીસ મથકનાં કર્મચારીઓને પણ બોલાવી લેવામાં આવ્યાં હતાં.

રહેણાંક વિસ્તારમાં આગ લાગવાને કારણે અફરાતફરીનાં માહોલ સર્જાયો છે. મિથુન મિસ્ત્રી નામના ફાયર વિભાગનાં અધિકારી પણ રાહત કામગીરીમાં બેભાન થયા છે. તો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે ફાયર વિભાગનાં ગજરાજ વાહન અહીં લાવ્યાં હતા પરંતુ કામ નહોતા કરી રહ્યા. જો આ કામ કરતું હોત તો આગ બુઝાવવામાં આટલી વાર લાગી ન હોત. તો બીજી બાજુ ફાયરનાં અધિકારીએ જણાવ્યું હતું કે અમે અહીં આવતા હતા ત્યારે જ તેનું સાયલેન્સર લોક થઇ ગયું હતું.


(તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]