મહાકુંભ 2025: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી

પ્રયાગરાજ: મહાકુંભ 2025 જોરસોરથી ચાલી રહ્યો છે. કરોડો લોકો તેમાં આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના દિગ્ગજો સંગમમાં પવિત્ર સ્નાન કરવા પહોંચ્યા હતા. આજે 7 ફેબ્રુઆરીના ગુજરાતના મુખ્યમંત્ર ભૂપેન્દ્ર પટેલ પણ મહાકુંભની મુલાકાત લીધી હતી. તેમણે સંગમ ઘાટ પર આસ્થાની ડૂબકી લગાવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રયાગરાજમાં સૌપ્રથમ બડે હનુમાનજી મંદિરી પહોંચી પૂજા અર્ચના કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બડે હનુમાનજી મંદિરમાં દર્શન અને પૂજા, અર્ચાના કર્યા બાદ અરેલ ઘાટથી નૌકા માર્ગે સંગમ સુધી પહોંચ્યા હતા. જ્યાં સંગમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર સ્નાન કર્યું. ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરીને અર્ઘ્ય અર્પણ કર્યુ. મહાકુંભની વ્યવસ્થા અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, ‘ખૂબ જ સુંદર વ્યવસ્થા છે. ક્યાંય કોઈ તકલીફ નથી આવી રહી, કોઈને તકલીફ નથી આવી રહી. સફાઈથી લઈને તમામ વસ્તુ ખૂબ સુંદર છે. મને સ્નાન કરવાનો મોકો મળ્યો, ખુદને ધન્ય અનુભવું છું. આસ્થાના કેન્દ્ર ત્રિવેણી સંગમમાં સૌ લોકો સ્નાન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. સૌ માટે સુખ માગ્યું છે.’ આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રિવેણી સંગમ ખાતે બોટિંગનો આનંદ માણ્યો હતો. આ દરમિયાન તેઓ પક્ષીઓને ચણ આપતા જોવા મળ્યા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રયાગરાજમાં બડે હનુમાનજીના દર્શન કર્યા હતા. જેની તસવીરો શેર કરતા મુખ્યમંત્રીએ ‘X’ પર લખ્યું કે, પ્રસિદ્ધ યાત્રાધામ તીર્થરાજ પ્રયાગની ભૂમિ ઉપર બડે હનુમાનજીના દર્શન તથા પૂજનનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું. રાજ્યની સર્વાંગી ઉન્નતિ અને સમૃદ્ધિ હેતુ નિજમંદિરે પ્રાર્થના કરી.