બહુચરાજીઃ જૂની પરંપરા મુજબ મા આદ્યશક્તિ બહુચર માતાજીની સવારી શમીવૃક્ષ પૂજન માટે નીકળે છે. આ સમયે વર્ષમાં એક જ વખત મા બહુચરને “નવલખા હારનો શણગાર” કરવામાં આવે છે. વડોદરાના રાજવી માનાજીરાવ ગાયકવાડ જ્યારે કડી પ્રાંતના સૂબા હતા. એ સમયે તેમને પીઠનું અસહ્ય દર્દ હતું. જે માતાજીની બાધાથી દર્દ ગયું. એ પછી રાજા બનવાની મનોકામના પૂર્ણ થઈ. શ્રદ્ધાળુ શાસક રાજાએ સને ૧૮૩૯માં ભવ્ય મંદિર બંધાવી માતાજીને “નવલખો હાર” પણ અર્પણ કર્યો હતો.
વિજયા દશમીએ મા બહુચરાજીને રૂ. 300 કરોડ જેટલી કિંમતનો નવલખા હારથી શણગાર કરીને શ્રદ્ધાળુઓ પાલખી લઈ ફર્યા, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં. મહેસાણા પાસે બહુચરાજી શક્તિ પીઠ આવેલી છે. હિંદુ ધર્મની આસ્થાનું મોટું કેન્દ્ર છે.
” નવલખો હાર “અમૂલ્ય છે. આ હારને ખાસ વહીવટદારની કસ્ટડીમાં રાખવામાં આવે છે અને પાલખી સમયે ખાસ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવે છે.આ પરંપરાને ધ્યાનમાં લઈને વિજયા દશમીના પાવન પર્વ પર મા બહુચરની સવારી નિજ મંદિરેથી નીકળી બેચર રોડ પર આવેલા શમીવૃક્ષ પૂજન માટે જાય છે. માની સવારીની સાથે-સાથે માતાજીના મંદિરના વાવેલા જવેરાનું પણ એટલું જ મહત્ત્વ છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)