–કેતન ત્રિવેદી
અમદાવાદ- છેલ્લી ઘડીની કશ્મકશ પછી ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે 4 એપ્રિલ, ફોર્મ ભરવાના છેલ્લા દિવસે મુખ્ય પ્રતિસ્પર્ધીઓ ભાજપ અને કોંગ્રેસના 26 બેઠક માટેના ઉમેદવારોના નામ જાહેર થઇ ચૂક્યા છે. કોને ટીકીટ મળશે અને કોણ કપાશેની રમતનો અંત આવ્યો છે.
પણ ગુજરાતમાં આ વખતે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા રહી બહુ જ રસપ્રદ. ભાજપ કે કોંગ્રસ, બન્ને પક્ષની ઉમેદવારની પસંદગીની આ પ્રક્રિયાના સૂચિતાર્થો શું છે એ સમજીએ.
(1)ગુજરાત ભાજપનો ગઢ હોવાથી પક્ષ આ વખતે નો રિપિટ થીયરી અપનાવી નવા ચહેરાઓ મેદાનમાં ઊતારીને સરપ્રાઈઝ આપશે એવી અપેક્ષા ખોટી પૂરવાર થઈ છે. અપવાદો સિવાય પક્ષે મોટાભાગના સિટિંગ સાંસદોને રિપિટ કરીને કોઈ જોખમ લેવાનું ટાળ્યું છે. સુરતમાં છેલ્લી ઘડીની મથામણ પછી છેવટે સિટિંગ સાંસદ દર્શનાબહેનને જ ટિકિટ આપી છે. પોરબંદરમાં વિઠ્ઠલભાઈ રાદડિયાને ટિકિટ ન આપવાનું કારણ એમની તબિયત છે. પાટણમાં લીલાધર વાઘેલાની ઉંમર અને એમની બનાસકાંઠાથી લડવાની જીદના કારણે એમણે ટિકિટથી હાથ ધોવા પડ્યા છે. ઈન શોર્ટ, ટિકિટ ફાળવણીમાં સિટિંગ સાંસદના પર્ફોમન્સ કે નોન-પર્ફોમન્સના બદલે જાતિ અને કાર્યકર્તાઓના સ્થાનિક સમીકરણો વધારે ભાગ ભજવી ગયા છે. અત્યંત મજબુત નેતૃત્વ હોવા છતાં પક્ષ મજબુત નિર્ણયો લઈ શક્યો નથી.
(2)ભાજપ એ શિસ્તબદ્ધ પક્ષ છે એ માન્યતા ધીમેથી, પણ ભાંગી રહી છે. ઊંઝા વિધાનસભાની બેઠક માટે કૉંગ્રેસમાંથી આવેલા ડૉ. આશા પટેલના નામને લઈને છેલ્લી ઘડી સુધી સર્જાયેલું કમઠાણ એ ભાજપ જેવા શિસ્તબદ્ધ પક્ષ માટે સારી નિશાની નથી. મહેસાણા લોકસભા માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મનાવવાની મથામણ છતાં છેવટે શારદાબહેન પટેલ જેવો સર્વસંમત પણ પ્રમાણમાં અજાણ્યો ચહેરો મૂકવો પડે છે. અમદાવાદ-પૂર્વ બેઠક માટે જો કોઈ રાષ્ટ્રીય નેતૃત્વ કે પછી સેલિબ્રિટી ચહેરાનું નામ નક્કી નહોતું તો પછી એક ધારાસભ્યનું નામ જાહેર કરવામાં છેલ્લી ઘડી સુધીનો વિલંબ શા માટે? સ્થાનિક સ્તરે કાર્યકર્તાઓમાં આટલી હદે અસંતોષ હોય તો પ્રદેશ નેતૃત્વ અત્યાર સુધી શું કરતું હતું? ચૂંટણી સમયે જ કૉંગ્રેસના નેતાઓને બોલાવીને ટિકિટ આપવાની રણનીતિ એમાં ક્યાંક ને ક્યાંક કારણભૂત તો નથી ને?
કદાચ, ખુદ રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની ગુજરાતમાં ઉમેદવાર તરીકેની હાજરી પણ આ બધા પરિબળો પર અંકુશ લાવી શકી નથી. આ સ્થિતિ ભાજપ માટે લાંબા ગાળે ચિંતાજનક છે.
(3)કૉંગ્રેસ માટે એક પણ સિટિંગ સાંસદ ન હોવાથી પસંદગી થોડીક સરળ રહેશે એવાં એંધાણ હતાં, પણ કૉંગ્રેસ હજુ પણ ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ સુધી યોગ્ય ચહેરા શોધી શકતી નથી એ ફરી એકવાર સાબિત થયું છે. અમરેલીમાં ત્રણ ધારાસભ્યો પરસ્પર લડે એટલે સમાધાનરૂપે વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીને જ લડાવવા પડે એ કેવી મજબુરી? પોરબંદરમાં લલિત વસોયા, રાજકોટમાં લલિત કથગરા, અમદાવાદ-પૂર્વમાં ગીતા પટેલને ટિકિટ એ વાત પક્ષ હજુ પણ હાર્દિક પટેલ અને પાસ-ફેક્ટર પર કેટલો અવલંબિત છે એ પૂરવાર કરે છે. ભાવનગરમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસ સુધી પ્રદેશ નેતૃત્વ મહિલા ચહેરો શોધવા નીકળે એ દર્શાવે છે કે પ્રદેશ નેતૃત્વનું ગ્રાઉન્ડ વર્ક કેટલું કાચું છે. અહેમદ પટેલ કે શક્તિસિંહને ભરૂચ અને ભાવનગરથી લડાવવાની વાત ખરેખર કાર્યકર્તાઓની લાગણી હતી કે પછી રાજકીય દાવ? જો કાર્યકર્તાઓની આવી લાગણી હતી તો છેલ્લા કલાકોમાં જ કેમ પ્રગટ થઈ? દાહોદમાં અનેક આક્ષેપોનો સામનો કરી રહેલા બાબુ કટારાને ટિકિટ ફાળવીને પક્ષે સંગઠનમાંથી નવા ચહેરા આગળ ધરવાની તક ગુમાવી છે.
(4)ભાજપે 26માંથી છ મહિલા ઉમેદવાર પસંદ કર્યાં છે. સામે કૉંગ્રેસે અમદાવાદ-પૂર્વમાં ગીતા પટેલ એક જ મહિલાને ટિકિટ આપી છે. એક તરફ, રાહુલ ગાંધી મહિલા સશક્તિકરણની વાતો કરીને વધારે મહિલાઓને રાજનીતિમાં લાવવાની વાતો કરે છે અને ગુજરાતમાં વાસ્તવિક સ્થિતિ એવી છે કે પક્ષને 26માંથી એક મહિલા ઉમેદવાર માંડ મળે છે અને એ પણ હાર્દિક પટેલની પાસ ટીમમાંથી. પ્રચારમાં ભાજપ આ મુદ્દો ઉઠાવ્યા વગર રહેવાનો નથી, કારણ કે કૉંગ્રેસે આ મુદ્દો એને ભેટ આપ્યો છે.
(5)ગાંધીનગરમાં એલ. કે. અડવાણીની જગ્યાએ અમિત શાહની ઉમેદવારી એ ભાજપમાં રાષ્ટ્રીય કક્ષાએ થયેલા જનરેશનલ ચેન્જનો સંકેત છે. આ બેઠક પરથી અડવાણી 1991થી જીતતા આવ્યા છે અને વચ્ચે એકવાર અટલ બિહારી વાજપેયી પણ જીતી ચૂક્યા છે. આ એ જ સમયગાળો છે જેમાં ભાજપના રાષ્ટ્રીય ઉદયનો રસ્તો ગુજરાતમાંથી નીકળ્યો હતો અને ગાંધીનગર એનું કેન્દ્ર બન્યું હતું. ઉમેદવારી ફોર્મ ભરતી વખતે ‘હું અડવાણીજીના વારસાને આગળ ધપાવીશ’ એ મતલબનું અમિત શાહનું વિધાન ઊંડો સંકેત આપે છે કે ભાજપ અડવાણી-વાજપેયી યુગમાંથી સંપૂર્ણપણે બહાર નીકળી ચૂક્યો છે. એ જ વખતે એનડીએના સાથીઓ પ્રકાશસિંહ બાદલ અને ઉદ્ધવ ઠાકરેની હાજરી અમિત શાહની એનડીએમાં નેતા તરીકેની સ્વીકૃતિનો પણ સંકેત છે. નરેન્દ્ર મોદી-અમિત શાહનો ભાજપ હવે પક્ષના આગામી બે દાયકાની દશા-દિશા નક્કી કરવાનો છે.
થેન્ક્યુ.