30 માર્ચે ઉમેદવારી ફોર્મ ભર્યા પહેલા અમિત શાહ અમદાવાદમાં કરશે ભવ્ય રોડ-શો

અમદાવાદ- બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરથી પોતાનુ નામાંકન ભરે તે પહેલા ચાર કિમી રોડ શો કરશે. ૩૦ માર્ચના રોજ ગાંધીનગર લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ નામાંકન પત્ર દાખલ કરશે તે પહેલા નારણપુરા ખાતેના શાહના જુના નિવાસસ્થાનેથી ૪ કિલોમીટરનો ભવ્ય રોડ-શો કરશે.

રોડ-શોના રૂટના નિરિક્ષણ માટે રાષ્ટ્રીય મહામંત્રી ડૉ. અનિલ જૈન દ્વારા સમગ્ર રૂટનું નિરિક્ષણ કરાયું હતું. ડૉ.અનિલ જૈને જણાવ્યુ હતું કે, અમિત શાહના ભવ્ય અને ઐતિહાસિક રોડ-શોમાં કેન્દ્રીય નેતૃત્વ અને પ્રધાન નીતિન ગડકરી, ગૃહપ્રધાન રાજનાથસિંહ, શીવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે તથા પંજાબના પૂર્વમુખ્યપ્રધાન પ્રકાશસિંહ બાદલ સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહેશે.

 

જૈને વધુમાં જણાવ્યું હતું કે, સરદાર પટેલ સ્મારકથી સરદાર પટેલ ચોક સુધીની આશરે ૪ કિલોમીટર સુધીના આ રોડ-શો સમગ્ર ગુજરાતમાં સરદાર અને ગાંધીજીના મહત્વને પ્રતિપાદિત કરે છે. આગામી ૩૦ માર્ચના રોજ સવારે ૯.૦૦ કલાકે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલી કરી અર્પણ કરી અમિત શાહ નામાંકન પત્ર દાખલ કરવા માટેના ભવ્ય  રોડ-શોની શરૂઆત કરશે.

રોડ શો સરદાર પટેલ સ્ટેચ્યુથી પાટીદાર ચોક સુધી

બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો ચાર કિમીનો રોડ શો નારાણપુરા વિધાનસભામાં સરદાર પટેલ સ્ચેચ્યુથી શરુ કરી ધાટલોડીયા વિધાનસભાના પાટીદાર ચોક સુધી જશે.  પાર્ટીએ આ આયોજન કરીને સીધો સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છેકે અમિત શાહ અંગે પાટીદારોમાં કોઇ રોષ નથી. અમિત શાહની છાપ પાટીદારો વિરોધી નથી અને એટલા માટે જ 20 હજારથી વધુ લોકોને અહીં ખડકી દેવાશે. બીજી તરફ યાત્રા નારાણપુરાથી ઘાટલોડીયા વિધાનસભામાં જશે. તમને એ પણ બતાવી દઇએ કે રાજ્યસભામાં જતાં પહેલા અમિત શાહ નારાણપુરાના ધારાસભ્ય પણ હતા, જ્યારે ધાટલોડીયાના ધારાસભ્ય તરીકે મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદી બેન પટેલ હતા. ત્યારે નારાણપુરાથી ઘાટલોડીયા સુધી રોડ શો યોજાય તો આનંદી બેન પટેલ અને અમિત શાહ વચ્ચે પણ કોઇ મતભેદ નથી તેવો સંદેશો કાર્યકર્તાઓમાં આપી શકાય.