ઉનાળાના પ્રારંભે લીંબુના ભાવમાં ભડકો થયો 

અમદાવાદઃ શહેરમાં ગરમીનો પારો 31થી 35 ડિગ્રી પહોંચી ચૂક્યો છે અને હવે કમોસમી વરસાદ ઓછો થતાં આગામી દિવસોમાં કાળઝાળ ગરમી પડે તેવી સંભાવના છે. લોકો ગરમીથી બચવા જાત-જાતના ઉપાયો કરતા હોય છે તેમાં પણ ખાસ કરીને ગરમીમાં લોકો લીંબુનો ઉપયોગ વધારે કરે છે, પરંતુ હાલ તો લોકોએ લીંબુનું શરબત કડવું લાગે એવી શક્યતા છે, કેમ કે  ઉનાળાના પ્રારંભે જ લીંબુના ભાવમાં ભડકો થયો છે, તેમાં ચાર ગણા ભાવ વધ્યા છે. 

ઉનાળામાં એક મહિના પહેલા જે લીંબુ 80થી 100 રૂપિયા ભાવે કિલો મળતા હતા,  આજે રૂા. 250થી 280ના કિલોએ મળી રહ્યા છે. મથકોએ મોટાં શાકમાર્કેટોમાં લીંબુની આવક ઘટી છે, જેને કારણે રીટેલમાં લીંબુના ભાવ વધ્યા છે. લીંબુનું વેચાણ કરનાર વેપારી સુરેશ શર્માએ જણાવ્યું હતું કે હૈદરાબાદ, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં લીંબુની મોટી વાડીઓ આવેલી છે. રાજ્ય બહારથી એપીએમસી માર્કેટમાં લીંબુ આવે છે. ઉનાળામાં લોકો લીંબુનો વપરાશ વધારે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલ મોટા ભાગના ખેડૂતોનાં ખેતરોમાં લીંબુ પાક્યાં જ નથી, તેથી માલની અછત છે, જેના કારણે ભાવ ઊંચો જોવા મળી રહ્યા છે. બે વર્ષ પહેલાં કોરોના મહામારીના સમયમાં લીંબુની ખૂબ માગ હતી. તે સમયે ભાવોમાં ખાસ્સો વધારો નોંધાયો હતો અને લીંબુ મળવા મુશ્કેલ હતા. આ વર્ષે ફરી એક વખત ઉનાળાના પ્રારંભમાં લીંબુનો ભાવવધારો ઝીંકાયો છે. બજારમાં જ્યાં સુધી લીંબુની આવક વધશે નહીં ત્યાં સુધી ભાવ ઘટે તેવી સંભાવના ઓછી છે. આગામી પંદર દિવસ સુધી ભાવ ઘટાડો થવો મુશ્કેલ જણાય રહ્યો છે.