દ્વારકા- કૃષ્ણ જન્મોત્સવ માટે દિવસભર દ્વારકાના જગત મંદિરના પ્રાંગણમાં ભક્તોનો ઉલ્લાસ અને કૃષ્ણની ઘૂનોના ગગનભેદી નાદ વચ્ચે કૃષ્ણ જન્મને બરાબર 12ના ટકોરે વધાવી લેવાયો હતો. દ્વાપર યુગમાં મામા કંસના કારાગૃહમાં કંસને હણનાર ભાણેજ શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો, જેને યુગો બાદ આજે પણ ભાવભક્તિથી ભારતભરમાં તેમ જ વિદેશોમાં પણ ઉજવવામાં આવી રહ્યો છે.
દ્વારકાના જગતમંદિરમાં હૈયેહૈયું દળાય તેવી ભારે ભીડ ઉમટી પડી હતી તેમ જ પ્રાંગણમાં ગરબા લઈને તેમ જ કૃષ્ણ ભગવાનના વિવિધ પદ પોકાર અને ધૂન કરીને આનંદઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો.બીજી તરફ અમાપ ભીડને લઈને સુરક્ષા કર્મચારીઓ પણ ખડેપગે મંદિરની સુરક્ષામાં તહેનાત રહ્યાં હતાં. મંદિરને ખૂબ સુંદર રોશનીથી શણગારવામાં આવ્યું હતું. જેના અજવાસમાં મંદિરની ધજા દૂરદૂરથી ફરફરતી નિહાળી ભક્તોને અપાર આનંદની અનુભૂતિ થઈ રહી હતી.
અમદાવાદમાં પણ જગન્નાથજી મંદિર, ઇસ્કોન તેમ જ ભાગવત સોલા વિદ્યાપીઠમાં ધામધૂમથી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો છે.ભક્તોએ ભગવાનને પારણે ઝૂલાવી પતરાળી પ્રસાદનો લહાવો લઈ ધન્યતાની લાગણી અનુભવી હતી.