અમદાવાદ: માફિયામાંથી નેતા બનેલા અતીક અહમદને મળ્યાં બાદ લગભગ દરેક વ્યક્તિ એમ જ કહે છે કે, તેમની આંખોમાં આંખ મિલાવીને વાત કરવી લગભગ અશક્ય છે. ગત વર્ષે બરેલી જેલમાં અતીક અહમદની સુરક્ષામાં તહેનાત પોલીસ કર્મચારીઓનું કહેવું છે કે, તેમની આંખો ડરામણી છે. તેમની આંખો દરેક વખતે લોહીથી ભરેલી નજર આવે છે, અને તે સતત સામેવાળી વ્યક્તિને જોતો રહે છે, જેથી તે નીચે જોઈ જાય.
પાંચ ફૂટ છ ઈંચનો અતીક અહમદને જ્યારે દેવરિયા જેલથી બરેલી મોકલવામાં આવ્યોતો તેમના પર નજર રાખી રહેલા પોલીસકર્મીના હાથ-પગ ફૂલી ગયા હતાં. જેલ અધિક્ષક તરફથી મેસેજ મોકલીને અને અનુરોધ કરવામાં આવ્યો કે, અપરાધી અતીકને અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવે. એટલું જ નહી જે લોકો જેલની સુરક્ષા કરી રહ્યાં હતાં. તેમની સુરક્ષા માટે વધારાનું પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું.
બિજનેસમેન મોહિત જયસવાલના અપહરણના આરોપી અતીકને બરેલી જેલમાં મોકલવામાં આવ્યો હતો. જયસવાલે કહ્યું કે, તેમણે કેટલાક એવા ડોક્યુમેન્ટ પર સહી કરવી પડી જેથી તેમની કેટલીક કંપનીઓ અતીક અહમદના નામ પર હોય. આ ઘટના ડિસેમ્બર 2018માં થઈ હતી.
ગત 19 એપ્રિલના રોજ ઉત્તર પ્રદેશ સરકારે ચૂંટણી પંચની મંજૂરીથી અતીક અહમદને નૈની જેલ મોકલવાનો આદેશ આપ્યો હતો. મંગળવારે સુપ્રીમ કોર્ટના આદેશ પર અતીક અહમદને ગુજરાતની જેલમાં મોકલી દેવામાં આવ્યો જેથી તે યૂપીમાં તેમની ગેરકાયદે પ્રવૃતિઓ ન ચલાવી શકે. અતીક જેલમાં રહે કે બહાર દાયકાઓથી તેમના નામથી લોકોમાં ડર પેદા થયેલો છે. દેવરિયાનો રહેવાસી અતીક હવે 57 વર્ષનો થઈ ગયો છે.
ઘણી જેલોમાં શિફ્ટ કરાયા બાદ અતીક અહમદે તેમની ગેંગને ચાલુ રાખી છે. વર્ષ 2018ના ફૂલપુર લોકસભા પેટા ચૂંટણીમાં ફોર્મ ભર્યાના થોડા સમયબાદ પોલીસે અતીકની બેરક પર તપાસ હાથ ધરી હતી અને મોટા પ્રમાણમાં મોબાઈલ જપ્ત કર્યાં હતાં. આ મામલે બરેલી ડીએમ વીકે સિંહ કહે છે કે, અપરાધી જ્યારે નેતા બને છે તો સમ્માનીય બનવાનો પ્રયત્ન કરતા હોય છે, પરંતુ અતીક સાથે એવું નથી થયું. ઘણાં વર્ષો સુધી ધારાસભ્ય અને સાંસદ રહ્યાં બાદ પણ અતીકે ગુનાઓ કરવાનું બંઘ ન કર્યું.
મહત્વનું છે કે, અતીક અહમદ વિરુદ્ધ 1979થી 2019 સુધીમાં કુલ 109 કેસો ચાલી રહ્યાં છે. જેમાંથી 17 કેસ કલમ 302, 12 કેસ ગેંગસ્ટર એક્ટ, 8 કેસ આર્મ્સ એક્ટ અને 4 કેસ ગુંડા એક્ટના મામલાઓ દાખલ છે. અતીક અહમદ વિરુદ્ધ 8 કેસ 2015થી 2019માં દાખલ કરવામાં આવ્યા, જેના પર હજુ તપાસ ચાલી રહી છે.
અતીક અહમદ મૂળ ઉત્તર પ્રદેશનાં શ્રાવસ્તી જનપદનો રહેવાસી છે. અતીક અહમદ વિરુદ્ધ અત્યાર સુધીમાં અપહરણ, જબરદસ્તી વસૂલી, હત્યા જેવા કેસો દાખલ છે. અતીક અહમદ વિરુદ્ધ ઉત્તર પ્રદેશના લખનઉ, કૌશામ્બી, ચિત્રકૂટ, અલ્લાહાબાદ ઉપરાંત બિહાર રાજ્યમાં પણ હત્યા, અપહરણ વગેરે જેવા કેસો ચાલી રહ્યાં છે. અતીક વિરુદ્ધ સૌથી વધુ કેસ અલ્લાહાબાદમાં દાખલ થયાં છે.
વર્ષ 2004ની લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ અતીક અહમદને ફુલપુર સંસદીય ક્ષેત્રમાંથી ટીકીટ આપી હતી, અહીંથી તે જીત મેળવી સાંસદ બન્યો હતો. 2014માં અતીકે સપાની ટીકિટ પરથી શ્રાવસ્તીથી ચૂંટણી લડી અને હારી ગયો હતો.