અમદાવાદઃ પાણીની અંદર હુમલો કરવા માટે સક્ષમ પાકિસ્તાનના ટ્રેઈન્ડ કમાન્ડો કચ્છની ખાડી પાસેથી ઘૂસણખોરી કરવાની આશંકાના કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓના ઈનપૂટ બાદથી ગુજરાત તટ પર હાઈ એલર્ટ જાહેર કરી દેવાયું છે. એવા ઈનપુટ મળ્યાં હતાં કે આ કમાન્ડો સરક્રીક વિસ્તારમાં ‘હરામી નાળા’ ના માર્ગે ભારતમાં પ્રવેશ કરી શકે છે. કશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવમાં આ નાપાક ચાલને પલટી નાખવા માટે તમામ બંદરો અને મહત્વપૂર્ણ પ્રતિષ્ઠાનોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તો આવો જાણીએ આખરે આ ‘હરામી નાળા’ અને ગુજરાત કેમ આતંકીઓના નિશાન પર છે…
હરામી નાળા વિશે…
હરામી નાળા ગુજરાતના કચ્છ વિસ્તારમાં ભારત અને પાકિસ્તાનને વહેંચતી 22 કિમી લાંબી સમુદ્રી ચેનલ છે. તે બંને દેશો વચ્ચે સરક્રીક વિસ્તારની 96 કિમી વિવાદિત સરહદનો ભાગ પણ છે. 22 કિમીનો એરિયા ધરાવતું ‘હરામી નાળા’ આમ જુઓ તો ઘૂસણખોરો અને તસ્કરો માટે સ્વર્ગ સમાન કહેવાય છે. આ જ કારણે તેનું નામ ‘હરામી નાળા’ પડ્યું છે. અહીં પાણીનું સ્તર હવામાનના કારણે સતત બદલાતુ રહે છે. આથી પણ તે અત્યંત ખતરનાક પણ મનાય છે.
એવું કહેવાય છે કે વર્ષ 2008માં પાકિસ્તાની આતંકીઓએ ભારતીય માછીમારની બોટ કુબેરને સરક્રીક વિસ્તારથી પકડી અને ત્યાંથી તેઓ ગુજરાત આવ્યાં અને મુંબઈ પહોંચી ત્યાં હુમલો કર્યો. આ વિસ્તારમાં મોટાભાગે પાકિસ્તાનની ખાલી પડેલી નાવડીઓ મળી આવે છે. હરામી નાળાની અંદર માછલી પકડવા પર પ્રતિબંધ છે. પરંતુ ત્યાં ઝીંગા માછલી અને રેડ સેમેન માછલી મળી આવી છે જેની ખુબ માંગ છે. આ જ કારણે આ નાળુ ભારત અને પાકિસ્તાન બંન્નેના માછીમારો માટે પસંદગીની જગ્યા છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, મુંદ્રા, દીન દયાળ પોર્ટની સુરક્ષા વધારાઈ
દીનદયાળ પોર્ટ (કંડલા) અને અદાણી દ્વારા સંચાલિત મુંદ્રા પોર્ટ તથા રાજ્ય સરકારને અપાયેલી ગુપ્ત ચૂચના મુજબ પાકિસ્તાની કમાન્ડો હરામી નાળા, ખાવડા કે નજીકના વિસ્તારોમાંથી ભારતમાં ઘૂસી શકે છે. આ એલર્ટ એવા સમયે આવ્યું છે જ્યારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવામાં આવી છે અને જેના વિરોધમાં દુનિયા આખીમાં હંસીપાત્ર બનેલું પાકિસ્તાન રઘવાયું થઈને પરમાણુ યુદ્ધની ધમકી આપી રહ્યું છે. આ પહેલા 27 ઓગસ્ટના રોજ નેવી ચીફ એડમિરલ કરમબીર સિંહે ગુપ્તચર અહેવાલ ટાંકીને કહ્યું હતું કે જૈશ-એ-મોહમ્મદે એક દરિયાઈ યુદ્ધક વિંગ તૈયાર કરી છે જેમાં આતંકવાદીઓને દરિયામાં રહીને લડવાની અને હુમલો કરવાની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.
દીનદયાળ કંડલા પોર્ટ અને અદાણી દ્વારા સંચાલિત મુંદ્રા પોર્ટ અને રાજ્ય સરકારની ગુપ્તચર એજન્સીઓને મળેલા ઇનપુટ મુજબ પાકિસ્તાની કમાંડો હારમી નાળા, ખવડા અથવા તેની આસપાસના વિસ્તાર મારફત ભારતમાં પ્રવેશ કરી શકે છે.
મહત્વનું છે કે, કચ્છ વિસ્તારમાં અનેક તેલ રિફાઇનરી છે. જેમાં ભારતની સૌથી મોટી તેલ રિફાઇનરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી પણ છે. તો મુંદ્રા અને દીન દયાળ પોર્ટ અને બીજા કેટલાક મહત્વના પાવરપ્લાન્ટ છે. તો આ ઉપરાંત દ્વારકામાં વિશ્વવિખ્યાત ભગવાન કૃષ્ણનું મંદિર પણ છે જ્યાં દર વર્ષે લાખોની સંખ્યામં યાત્રીકો આવે છે. તો જૈશના આતંકવાદીઓના નિશાને ખંભાતની ખૂબ જ વ્યસ્ત ખાડી પણ હોઈ શકે છે. ગુજરાત મેરીટાઇમ બોર્ડના ડેટા મુજબ ખંભાતની ખાડીમાં હાલના સમયે લગભગ 50000 સ્ટીમર, બોટ અને માલવાહક જહજો પસાર થઈ રહ્યા છે. આ ઉપરાંત કચ્છની ખાડીમાં 100 મોટા માલવાહક જહાજ અને 300 નાની મોટી જહાજો ફરતી રહે છે.
ગુપ્ત એજન્સીના રિપોર્ટ મુજબ જૈશ-એ-મોહમ્મદે એવા આતંકવાદીઓ તૈયાર કર્યા છે જેઓ પાણીની નીચે ખૂબ જ લાંબા અંતર સુધી તરીને પાણીની અંદરથી હુમલો કરી શકે છે. સુરક્ષા એજન્સીઓના સૂત્રો મુજબ આ પ્રકારની ટ્રેનિંગ લીધા બાદ તેઓ દરીયો, નદી અને તળાવના રસ્તા કોઈ મહત્વના અને સંવેદનશીલ વિસ્તાર સુધી ખૂબ જ સહેલાઈથી નજરમાં આવ્યા વગર પસાર થઈ શકે છે.