કલાઇમેટ ચેન્જ વિભાગ શરૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું ગુજરાત

ગાંધીનગરઃ  ગાંધીનગર ખાતે રાજ્યમાં પર્યાવરણની જાળવણી થાય અને પ્રદૂષણ મુક્ત ગુજરાતના નિર્માણ માટે યુરોપીયન યુનિયનના ઇન્ટરનેશનલ અર્બન કો-ઓપરેશન સાથે રાજ્યની આઠ મહાનગરપાલિકાઓના મેયરો-કમિશનરો તથા કલાઇમેટ ચેન્જ વિભાગ વચ્ચે ગ્લોબલ કોવોનન્ટ ઓફ મેયર ફોર કલાઇમેટ ચેન્જ એનર્જી સંદર્ભે ઉર્જા પ્રધાન સૌરભભાઇ પટેલ, પર્યાવરણ રાજ્ય પ્રધાન જયદ્રથસિંહજી પરમારની ઉપસ્થિતિમાં એમ.ઓ.યુ. થયા હતા. નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, ગ્લોબલ વોર્મિંગ અને કલાઇમેટ ચેન્જ એ વૈશ્વિક સમસ્યા છે ત્યારે આ સમસ્યા સામેના પડકારોને પહોંચી વળવા માટે તથા ઇકો ફ્રેન્ડલી દેશના નિર્માણ માટે સૌ દેશવાસીઓએ સંકલ્પબદ્ધ બનવું પડશે.

નીતિન પટેલે કહ્યું કે, તત્કાલિન મુખ્યપ્રધાન અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશભરમાં સૌ પ્રથમવાર ગુજરાતમાં કલાયમેટ ચેન્જ વિભાગ સ્થાપવાનો નિર્ણય કર્યો હતો અને તેમની દીર્ઘદ્રષ્ટિ અને લાંબાગાળાના આયોજનના પરિણામે પર્યાવરણ જાળવણી માટે પણ ગુજરાત દેશભરમાં અગ્રીમ સ્થાને રહી મોડલ બન્યું છે ત્યારે પર્યાવરણના સંરક્ષણ માટે આપણે સૌએે સહિયારા પ્રયાસો કરવા જોઇએ.

તેમણે જણાવ્યું કે મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ યુરોપીયન યુનિયનના ઇન્ટરનેશનલ અર્બન કો-ઓપરેશનના તકનીકી અને વૈજ્ઞાનિક સહાયથી ગુજરાતમાં કલાયમેટ ચેન્જ ક્ષેત્રે સક્રિય ભૂમિકા ભજવવા માટે કોવોનન્ટ ઓફ મેયર્સ ઓફ ગુજરાત ફોર કલાયમેટ ચેન્જ એન્ડ એનર્જી (જીકોમ) નેટવર્કની રચના થશે એ માટે આ એમ.ઓ.યુ. કરાયા છે. આ નેટવર્ક હેઠળ રાજ્યના મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગરને સસ્ટેનેબલ અને લો કાર્બન અર્બન ડેવલપમેન્ટ અંગેના પ્રયાસોને વેગ મળશે. જીકોમના માધ્યમથી રાજ્યની મુખ્ય નગરપાલિકાઓ કલાયમેટ ચેન્જથી થનાર અસરને નિયત્રીત કરવા માટે યોગ્ય માર્ગદર્શન અને સહાય મળશે તથા શહેરનું સમગ્ર આયોજન કલાયમેટ ચેન્જ તથા સ્વચ્છ  ઉર્જા સ્ત્રોતને કેન્દ્રમાં રાખીને કરી શકશે. જે થકી નાગરિકોના જીવન વધુ સુદ્રઢ અને સમૃદ્ધ બનશે.

ઉર્જા પ્રધાન સૌરભભાઇ પટેલે જીકોમ નેટવર્કના અભિગમને આવકારતાં કહ્યું કે, દેશમાં કલાયમેન્ટ ચેન્જ ક્ષેત્રે ગુજરાતે પહેલેથી જ વિવિધ નીતિઓ દ્વારા દેશને આગવું નેતૃત્વ પૂરું પાડયું છે. પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે પણ ગુજરાતે નક્કર આયોજન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશ માટે ૨૦૨૨ સુધીમાં ૧.૭૫ લાખ મેગાવોટ પુનઃ ઊર્જા ઊત્પાદનનું લક્ષ્યાંક સેવ્યું છે તેમાં ગુજરાતે વર્ષ ૨૦૨૨ સુધીમાં ૩૦ હજાર મેગાવોટ પુનઃપ્રાપ્ય ઊર્જા ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. હાલ રાજ્યમાં ૮ હજાર મેગાવોટ પુનઃપ્રાપ્ય ઊર્જાનું ઉત્પાદન થઈ રહ્યું છે અને નવા ૨૨ હજાર મેગાવોટ આવનાર સમયમાં ઉત્પાદિત કરાશે.

તેમણે કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા માર્ચ ૨૦૨૦ સુધીમાં ૨ લાખ જેટલા રહેણાંક ઘરોમાં સોલાર રૂફટોપ લગાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે તે પરિપૂર્ણ કરાશે સાથેસાથે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ૨૦૨૨ સુધીમાં ૮ લાખ ઘરો ઉપર સોલાર રૂફ ટોપ લગાવવા માટે લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે તે પણ સમયસર પૂર્ણ કરાશે.