કેજરીવાલ ખેડૂતોને મૂરખ બનાવવા ‘સફેદ જૂઠ’ ના બોલેઃ SAD

ચંડીગઢઃ પંજાબની આપ સરકાર સરકાર દ્વારા માત્ર મગ અને મકાઈ માટે લઘુતમ ટેકાની કિંમતો (MSP) આપવાનું વચન આપીને અને એને પૂરું કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવતાં શિરોમણિ અકાલી દળ (SAD)એ રવિવારે આપના સંયોજક અરવિંદ કેજરીવાલને રાજ્ય વિધાનસભાની ચૂંટણીથી પહેલાં ખેડૂતોને મૂરખ બનાવવા માટે ‘સફેદ જૂઠ’ ના બોલવા કહ્યું હતું.

પંજાબ સરકારના ભૂતપૂર્વ મંત્રી અને SADના નેતા દલજિત સિંહ ચિમાએ નિવેદન જારી કરી કહ્યું હતું કે એ આશ્ચર્યજનક છે કે કેજરીવાલ ગુજરાતમાં દાવો કરી રહ્યા છે કે ‘આપ’ સરકાર પંજાબમાં પાંચ પાકોનું MSP આપી રહી છે અને ગુજરાતમાં પણ એ આપવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે સાચી વાત એ છે કે કેન્દ્ર સરકાર ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના માધ્યમથી પંજાબમાં ઘઉં અને અન્ય ધાનની ખરીદી MSP પર કરી છે. જે રીતે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કપાસની ખરીદી કરે છે. તેમણે કહ્યું હતું કે મુખ્ય પ્રધાન ભગવંત માને ખેડૂતોને મગ વાવવાનો આગ્રહ કર્યો હતો અને પૂરો પાક પ્રતિ ક્વિન્ટલ રૂ. 7250એ લઘુતમ ટેકાના ભાવે ખરીદવાનું વચન આપ્યું હતું, પણ 10 ટકા પાકની પણ ખરીદી કરવામાં નથી આવી. પંજાબની આપ સરકાર આ પ્રકારે મકાઇની ખરીદીમાં પણ નિષ્ફળ રહી છે.

તેમણે કહ્યું હતું કે ગુજરાતના ખેડૂતોને કેજરીવાલ ખોટી આશા ના બંધાવે. એની સાથે ગુજરાતના ખેડૂતોએ પંજાબ આવવું જોઈએ અને વાસ્તવિકતાની ખરાઈ કરવી જોઈએ.