અમદાવાદના કાલુપુરથી અવર-જવર કરતાં લોકો માટે મહત્વના સમાચાર આવ્યા છે. કાલુપુર-સારંગપુર બ્રિજ આગામી દિવસમાં બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રિનોવેશનની કામગીરીના કારણે આ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. કાલુપુર રેલવે સ્ટેશનના રિનોવેશનને કારણે આ સ્ટેશનના મુખ્ય રોડને બંધ કરીને ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે.
સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર રેલવે સ્ટેશનનું રિડેવલોપમેન્ટ થતું હોવાના કારણે રેલવે વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સારંગપુર બ્રિજ અને કાલપુર બ્રિજને ફોર લેન બનાવવાની કામગીરી હાથ ઘરવામાં આવી છે. 439 કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજ બનાવાશે અને આ બ્રિજનું કામ દોઢ વર્ષમાં પૂર્ણ થાય તેવો અંદજ લગાવવામાં આવી રહ્યો છે. રેલવે સ્ટેશનની અંદર જવા માટે જૂનો એન્ટ્રી ગેટ મુસાફરો માટે શરૂ રાખવામાં આવ્યો છે. રેલવે સ્ટેશનના મુસાફરોએ બહાર નીકળવા માટે પશ્ચિમ બાજુએ સદર કંપની દ્વારા ફૂટ બ્રીજનો ઉપયોગ કરી શકશે. મુસાફરોએ મેઇન રોડ પર જવું હોય તો મુખ્ય માર્ગને જોડતો 30 ફૂટ નવો જે રોડ બનાવ્યો છે, તેનો ઉપયોગ કરી શકશે. સારંગપુર સર્કલથી કાલુપુર રેલવે સ્ટેશન તેમજ કાલુપુર બાજુ જતા લોકો સારંગપુર ટ્રાફિક સર્કલથી સીંધી માર્કેટથી પાંચકુવા થઈને જમણી બાજુ રેલવે સ્ટેશન પહોંચી શકશે. જો કોઈ વ્યક્તિએ કાલુપુર જવું હોય તો તે મોતીમહેલ હોટલવાળા રસ્તાનો ઉપયોગ કરી શકશે. કાલુપુરથી સારંગપુર, રાયપુર, કાંકરિયા, ગીતા મંદિર જવું હોય તો કાલુપુર રેલવે સ્ટેશનથી જે સિંગલ વન-વે ખુલ્લો રાખવામાં આવ્યો છે તેનો ઉપયોગ કરી શકશે.
જ્યારે બીજી તરફ હાલ સાબરમતી આશ્રમનું નવીનીકરણ ચાલી રહ્યું છે, જે વર્ષ 2026માં પૂર્ણ થાય તેવો અંદાજ છે. જેને લઈને તારીખ નવમી નવેમ્બર, 2024 બાદથી ગાંધી આશ્રમ રોડ કાયમી માટે બંધ થઈ જશે. જેને લઈને ગાંધી આશ્રમ જવા માટે એક અન્ય રૂટ શરુ કરાયો છે અને બે નવા પાર્કિંગ પ્લોટ પણ બનાવી દેવામાં આવ્યા છે. નવેમ્બર મહિનાના બીજા અઠવાડિયામાં રાજ્ય સરકાર સાથે ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ અંગે બેઠક યોજાશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અધિકારીઓ સહિત આશ્રમના સત્તાધીશો હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદના કાલુપુર-સારંગપુર બ્રિજને ઉંદરોએ ખોદી નાખતા બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો છે. બ્રિજની ઉપર લોખંડની ગ્રીલ પણ ઉંદરો કોતરી ગયા છે. કાઉન્સિલ ઇકબાલ શેખે અમદાવાદ મનપામાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદ બાદ બ્રિજનું સમારકામ શરૂ કરાયું હતું.