ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા જૂનાગઢ મહાનગરમાં સુવિધાસભર હાઇરાઇઝડ કોર્ટ બિલ્ડીંગ – ન્યાય ભવનના નિર્માણ માટેનો નિર્ણય કર્યો છે. આ નવું કોર્ટ બિલ્ડીંગ ૩૮ હજાર ચોરસ મીટરમાં નિર્માણ પામશે. એટલું જ નહિ, આઇકોનિક હાઇરાઇઝડ બિલ્ડીંગ તરીકે જૂનાગઢ મહાનગરમાં આગવી ઓળખ બને તે હેતુસર લેન્ડ સ્કેપીંગ, ગ્રીન બિલ્ડીંગ – ઇકોફ્રેન્ડલી કોન્સેપ્ટ સાથે નિર્માણ થવાનું છે.
પાર્કિંગ માટે પૂરતી ખૂલ્લી જગ્યા અને સૌરઊર્જાના ઉપયોગનો કોન્સેપ્ટ પણ આ નવા નિર્માણ થનારા કોર્ટ સંકુલમાં આકર્ષણ બનશે. જૂની સિવીલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આ ન્યાયાલયનું નિર્માણ થવાથી શહેરની જિલ્લા કોર્ટ સહિતની અન્ય કોર્ટ-ન્યાયાલયો એક જ કમ્પાઉન્ડમાં કાર્યરત થતાં કોર્ટના કામકાજ માટે આવનારા અરજદારો, વકીલો, નાગરિકોને એક જ સ્થળેથી બધી કોર્ટની સવલત મળશે.
જૂનાગઢ શહેરમાં નવી સિવીલ હોસ્પિટલ અને મેડીકલ કોલેજનું ભવ્ય રીતે અન્ય જગ્યાએ નિર્માણ થતાં જૂની સિવીલ હોસ્પિટલવાળી જગ્યા ખાલી થઇ છે તે જગ્યા પર આ નવું અદ્યતન ન્યાય સંકુલ નિર્માણ પામવાનું છે.
મુખ્યમંત્રી વિજય રુપાણીએ તાજેતરમાં જૂનાગઢ મહાનગરપાલિકાના પદાધિકારીઓ સાથે મહાનગરના વિવિધ વિકાસ કામો અને પ્રશ્નો અંગે યોજેલ સમીક્ષા બેઠકમાં વિચાર-વિમર્શ કરીને આ નવા કોર્ટ બિલ્ડીંગના નિર્માણનો નિર્ણય કર્યો છે.