જુનાગઢ: ગિરનાર ડુંગર ઉપર પગથિયા પરથી ચડનારા અનેક લોકો છે, પરંતુ પગથિયા વગર (આડેધડ) ચડનારા કેટલા? સ્વાભાવિક જ જવાબ મળે કે, એ કામ તો પર્વતારોહકોનું છે. અને તેના માટે રોપ, કેરેબિનર, મીટોન્સ જેવા સાધનોની જરૂર પડે. હિમાલયના શિખરો તો પર્વતારોહણ માટે ખેડાતા હોય છે, પણ જૂનાગઢમાં ગિરનાર ઉપર એવું પર્વતારોહણ કરાતુ નથી. હવે ત્યાં ક્લાઈમ્બિંગ શરૂ થશે. કારણ કે દેશના પસંદગી પામેલા 22 પર્વતારોહકોએ ગિરનાર ઉપર 1000 ફુટનો નવો રૂટ શોધી કાઢ્યો છે. જે પગથિયાં ચડીને દર્શનાર્થે જતા યાત્રાળુઓ માટે નહીં, પણ પર્વતારોહકો માટેનો રૂટ બની રહેશે.
રાષ્ટ્રીય સ્તરનો રોક ક્લાઈમ્બિંગ વર્કશોપ તાજેતરમાં યોજવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતના પણ 7 શિબિરાર્થીઓની પસંદગી થઈ હતી. ગુજરાત સરકારના યુવક, સેવા અને સાંસ્કૃતિક મંત્રાલયના નેજા હેઠળ સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ કોલેજ, માઉન્ટ આબુ અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, જુનાગઢ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરાર્થી કલ્પેશ બારૈયાએ જણાવ્યું કે, હું રોક ક્લાઈમ્બિંગ ઇન્સ્ટ્રક્ટર છું અને તેના આધારે મારું સિલેક્શન થયું હતું. અમે ગિરનાર ઉપર જૈન મંદિરની નજીકથી એક લાંબી ખડક વોલ શોધી કાઢી છે. જેના ઉપર રોપ (દોરડા) જેવા સાધનોની મદદથી અમે સફળતાપૂર્વક આરોહણ કર્યું છે. શરૂઆતમાં 3 દિવસ વિવિધ રૂટ ફાઇન્ડ કરીને છેલ્લે આ રૂટ ફાઇનલ કર્યો છે.
નેશનલ રોક ક્લાઈમ્બિંગ કેમ્પના ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ રાઠોડે માહિતી આપતા જણાવ્યું કે, એક હજાર ફૂટની આ નવી વોલ આગામી દિવસોમાં દેશના પર્વતારોહકો માટે આકર્ષણનું કેન્દ્ર બને તે માટે અમારી રમતગમત અધિકારી કચેરી પ્રયત્નશીલ છે અને તેના માટે ગુજરાત સરકારનો પણ હકારાત્મક અભિગમ છે. દેશ-વિદેશના માઉન્ટેઈનર્સ અહીં ચઢાણ માટે આવતા થાય તો જુનાગઢ ઇતિહાસ ઉપરાંત એડવેન્ચર ક્ષેત્રે પણ આગળ વધશે.
પ્રકૃતિપ્રેમીઓ અને અધ્યાત્મપ્રેમીઓ માટે ગિરનાર અભ્યાસનું કેન્દ્ર છે. હવે નવો રૂટ શોધાતા તેમના માટે પણ નવી દિશાઓ ખુલી છે. કારણ કે તેનાથી પગથિયા સિવાયના રસ્તે પણ રખડપટ્ટી થઈ શકશે અને કંઈક નવીન પણ ગરવા ગઢમાંથી પ્રાપ્ત થશે. અત્યાર સુધી તો હજારો લોકો તળેટીમાં ભવનાથ મંદિરના દર્શન કરી અંબાજીની ટૂંક થઈ દત્ત ટૂંક સુધી પહોંચતા હતા. જોકે પર્વતારોહણ માટેના નવા રૂટથી છેક શિખર સુધી તો નથી પહોંચી શકાતું પણ ગિરનાર પર આરોહણનું સ્વપ્ન જરૂર સિદ્ધ થાય છે.
2 શિબિરાર્થી યુવતીઓએ પણ તેમાં મેદાન માર્યું છે. તે પૈકીની એક છે ગુજરાતના ગૌરવ સમી ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના અંતરિયાળ ગામ ડમરાળાની સુરભી ધડુક. તેણીએ અગાઉ આર્ટિફિશિયલ વૉલ ક્લાઈમ્બિંગમાં પણ ગુજરાતમાં ગોલ્ડ મેળવેલો છે. સુરભીએ ગિરનાર પરના નવા રૂટ વિશે વાત કરી કે, ગિરનાર ઉપર કંઈક પર્વતારોહણ માટે નવીન બને તેવી ઉત્સુકતા અમારી શિબિરના પ્રથમ દિવસથી જ હતી. પ્રશિક્ષકો મનીષ પરમાર અને નીરત ભટ્ટે શરૂઆતમાં શિબિરાર્થીઓની ફિટનેસ ઉપર ભાર મૂક્યો હતો. ત્યારબાદ ગિરનારની ચારેય તરફના રોક ફેસ ઉપર ક્યાંથી ક્લાઈમ્બિંગ કરી શકાય છે તે જાણવા વિઝીટ કરી હતી અને આખરે જૈન મંદિરની ઉપરથી સપાટ રોકનો રૂટ ફાઇનલ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં ઇડર પાસે પણ અગાઉ અરવલ્લી રેન્જ પર રોક ક્લાઈમ્બિંગ થઈ ચૂક્યું છે. એ જ રીતે અમદાવાદ હાઈવે પરના ચમારડી ગામના ડુંગરો પણ રોક ક્લાઈમ્બિંગ માટે જાણીતા છે અને હવે ગરવા ગઢ ગિરનારની ગોદમાં એક રાષ્ટ્રીય સ્તરના વર્કશોપથી નવી દિશાઓ ખૂલી છે.
(જિજ્ઞેષ ઠાકર)