ગાંધીનગરઃ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ બિન સચિવાલય પરીક્ષા રદ્દ કરવાની માગ સાથે વિધાનસભાની બહાર બેસી વિરોધ કર્યો છે. તો સાથે આવતીકાલે વિધાનસભા સત્રમાં રજૂ થનાર સ્ટેચ્યુ ઓફ યુનિટી અંગેનું વિધેયક વિધાનસભા પરિસરમાં સળગાવ્યું છે. જિગ્નેશ મેવાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિધેયકની નકલને સળગાવીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. વિધાનસભા સંકુલમાં સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરતા જિગ્નેશ મેવાણી અને તેના સમર્થકોને પોલીસે ડિટેઈન કર્યા હતા.
જિગ્નેશ મેવાણીએ બિલની કોપી સળગાવતા કહ્યું કે, સ્ટેચ્યુ આદિવાસીઓના મંજૂરી વગર બનાવવામાં આવ્યું છે. આવતીકાલે જે બિલ પસાર થવાનું છે તે આદિવાસીઓની છાતી પર ઉભો ચીરો મૂકીને આ બિલ પસાર થવાનું છે. હાલ મને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. પણ વિધાનસભાની અંદર હોત તો વિધેયકને ફાડી નાખ્યું હોત. પણ અત્યારે તેને સળગાવું છું.
બિલ સળગાવતી વખતે જીગ્નેશે કહ્યું કે, આ બિલને સળગાવીને હું મારો વિરોધ પ્રદર્શિત કરું છું. ગુજરાતના અનુસુચિત જાતિ અને જનજાતિના દલિત- આદિવાસી ધારાસભ્યોને અપીલ કરું છું કે અનુસુચિત જનજાતિના 27 અને દલિત સમાજના 13 ધારાસભ્યો છે. આ તમામ ધારાસભ્યો સાથે મળી આ બિલનો વિરોધ કરે, પોતાનો રોષ પ્રગટ કરે. કોઇપણ સંજોગોમાં આ બિલ રોકાવું જોઇએ. ગુજરાતમાં આદિવાસી સમાજને તેમના બંધારણીય અધિકારો મળતા નથી અને બંધારણીય અધિકારોનું હનન થઇ રહ્યું છે એટલા માટે બિલની કોપી સળગાવું છું.