અમદાવાદ: અષાઢ માસની શરૂઆત થતાંની સાથે જ વ્રત ઉપવાસ ઉત્સવોની શરુઆત થઈ જાય છે. અષાઢ સુદ અગિયારસ થી નાની બાળાઓની ગોરોની પૂજા તેમજ તેરસ થી જયા પાર્વતીના વ્રતની શરૂઆત થઇ ગઇ છે.
કોરોના વાયરસના આ કપરા કાળમાં લૉકડાઉન દરમિયાન મંદિરો સહિતના ધાર્મિક સ્થળો બંધ રહ્યા. અનલૉક ની શરુઆત થતાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ધાર્મિક સ્થળોમાં લોકો ને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
જયા પાર્વતી વ્રતની શરૂઆત થતાં જ મંદિર માં વહેલી સવારથી જ દરેક વય જૂથની બહેનો પૂજા અર્ચના આરતી માટે એકઠી થયેલી જોવા મળી હતી. અષાઢ સુદ તેરસ થી શરુ થતાં વ્રતમાં બહેનો મંદિર જઇ સુખી જીવન અને સારા જીવન સાથી માટે પ્રાર્થના કરતી હોય છે. કોરોનાની મહામારી વચ્ચે એકઠી થયેલી બહેનો એ માસ્ક પહેરી અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી શાસ્ત્રોક્ત વિધી થી પૂજા વિધિ કરી હતી. જયા પાર્વતી વ્રત એ શિવ પાર્વતીની પૂજા અર્ચનાનું વ્રત છે, આ વ્રત પાંચ દિવસ ચાલે છે. જે આ વર્ષે 3 જુલાઈથી શરૂ થાય છે. વ્રતના ભોજનમાં મીઠું વર્જિત મનાય છે.
પાશ્ચાત્ય સંસ્કૃતિની આંધળી દોટ વચ્ચે વ્રત ઉપવાસ કથા જેવી ધાર્મિક પરંપરાઓ ભારતીય સંસ્કૃતિ અને વિચારધારા ને પુનઃજીવિત કરે છે. સમયના વહેણમાં જયા પાર્વતી જેવા વ્રતો ભૂંસાઇ રહ્યા છે. મોટા શહેરોમાં તેમનું નામ નિશાન જોવા મળતું નથી. ગામડાઓમાં લોકો આવા વ્રત કરતાં લોકો કરતાં જોવા મળે છે. મંદિરો અને ધર્મ સંસ્થાઓે વ્રતોની પરંપરા ફરી શરૂ થાય તે માટે પ્રયાસો કરવાની જરુર છે. પૌરાણીક વ્રતો પણ સંસ્કૃતિ સાથે જોડાયેલા છે. પૌરાણિક વ્રતો વર્તમાન બીબાઢાળ જીવનમાં નવો ધાર્મિક આધ્યાત્મિક ટચ આપી ભગવાનમાં મજબૂત વિશ્વાસ પણ ઉભો કરી શકે છે.
આખી રાતનું જાગરણ કરી કુમારિકાઓ વ્રતનું સમાપન કરે છે. આ વ્રત કુમારિકાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓ ઓછામાં ઓછા પાંચ વર્ષ અને વધુમાં વધુ વીસ વર્ષ સુધી કરે છે. આ વ્રતને ગણગૌર, મંગલાગૌરી અને સૌભાગ્ય સુંદરી વ્રત પણ કહેવામાં આવે છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)