નવી દિલ્હીઃ રાજ્યમાં હવે શિક્ષકોને જાહેર શૌચાલયની દીવાલ પર રંગબેરંગી ચિત્રો દોરવાની કામગીરી સોંપવાનો સરકારે આદેશ કર્યો છે. કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત દેશના તમામ રાજ્યોમાં ગામડાથી લઈને તાલુકા, જિલ્લા, રાજ્ય અને દેશ કક્ષાએ સુંદર અને સ્વચ્છ શૌચાલય હરીફાઈ યોજવાની સૂચના આપવામાં આવી છે.
મહત્વનું છે કે એકતરફ રાજ્યમાં ગુણવત્તાયુક્ત શિક્ષણની વાતો થાય છે અને બીજી તરફ શિક્ષકોને આ પ્રકારની જવાબદારીઓ આપીને વ્યસ્ત રાખવામાં આવે છે.
આ હરીફાઇમાં શૌચાલયોને સુંદર બનાવવા ઉપરાંત ગ્રામજનો શૌચાલયનો ઉપયોગ કરતા થાય તે માટે પ્રચાર પ્રસાર અને લોકજાગૃતિની કામગીરી પણ શિક્ષકોએ બજાવવાની રહેશે. અંકલેશ્વરના ટીડીઓ દ્વારા પરિપત્ર જારી કરીને દરેક ગામના સરપંચ અને તલાટીને તેમના ગામમાં કેટલા શૌચાલય આવેલા છે તેની યાદી બનાવીને પ્રાથમિક શાળાના શિક્ષકોને પહોંચાડવા અને નિયત કાર્યક્રમ પ્રમાણે શૌચાલયોની દીવાલ પર ચિત્રકામ થાય તે જોવા તાકીદ કરાઇ છે.
આ પ્રકારે તમામ તાલુકામાં પણ સૂચના અપાઇ છે. ગ્રામ વિકાસ કમિશનર મોના ખંધારે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે અને તેની ગાઇડલાઇન પ્રમાણે શિક્ષકોને જવાબદારી સોંપવામાં આવી છે.
કેન્દ્ર સરકારે જાહેર કરેલી સ્વચ્છ અને સુંદર શૌચાલય હરીફાઇમાં તમામ ગામોના જાહેર શૌચાલય તો ખરા જ પણ ગ્રામજનોના વ્યક્તિગત શૌચાલયોને પણ રંગબેરંગી ચિત્રોથી સુંદર બનાવવાની સૂચના આપવામાં આવી છે. ગ્રામજનો કલરકામ અથવા વિવિધ પ્રકારની ટાઇલ્સ લગાવીને શૌચાલયોને રંગીન બનાવી શકે છે.
શૌચાલયોની હરીફાઇ સમગ્ર માર્ચ મહિના દરમિયાન ચાલશે. માર્ચમાં પરીક્ષાનો સમય હોય છે ત્યારે વિદ્યાર્થીઓને છેલ્લી ઘડીની તૈયારી કરાવવાને બદલે શિક્ષકોને શૌચાલય રંગવાની કામગીરી સોંપવામાં આવી છે.