લોકસભા ચૂંટણીની ખેંચમતાણી શરુ, બિમલ શાહ જોડાયાં કોંગ્રેસમાં

અમદાવાદ-2019ની લોકસભા ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. દેશના બંન્ને મોટા પક્ષો ભાજપ અને કોંગ્રેસ લોકસભા ચૂંટણીને લઈને નવી રણનીતિઓ તૈયાર કરી રહ્યાં છે. સંદર્ભે આજે પ્રદેશ કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠક મળી હતી, જેમાં અહેમદ પટેલની અધ્યક્ષતામાં ચૂંટણીને રણનીતિ ઘડવામાં આવી હતી.

લોકસભાની ચૂંટણી પહેલા ઘણા સમીકરણો બદલાઈ તેવી શક્યતા છે. પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ તેમજ પ્રેદશ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં ભાજપના બિમલ શાહે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. આ ઉપરાંત બારડોલીના પૂર્વ એમએલએ અનિલ પટેલ, સૂરતના દર્શન નાયક પણ સસ્પેન્ડ થયાં બાદ ફરી કોંગ્રેસમાં જોડાયાં

કારોબારી બેઠકમાં પ્રદેશ પ્રમુખ રાજીવ સાતવ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવી શકે તેવા સક્ષમ ઉમેદવારોની ચર્ચા કરવા ઉપરાંત પક્ષમાં આંતરીક જૂથબંધીનો મુદ્દે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ ધારાસભ્યો અને નેતાઓને અંદરોઅંદરના મતભેદ ભૂલી એક થઈ ચૂંટણી લડવા હાંકલ કરવામાં આવી હતી.

મીડિયા સાથે વાતચીત કરતાં અહેમદ પટેલે સીધુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નીશાન સાધ્યું. તેમણે કહ્યું કે ગઠબંધનને કારણે વડાપ્રધાન ડરી ગયા છે. ચૂંટણી હારી જશે તો 200 વર્ષ સુધી સત્તામાં નહીં આવે તેવો ડર પેસી ગયો છે.

ઉલ્લેખનીય છે કે બિમલ શાહ કપડવંજ વિધાનસભાની બેઠકના પૂર્વ ધારાસભ્ય છે. તેઓ છેલ્લા ઘણા સમયથી ભાજપથી નારાજ છે. ત્યારે હવે તેમણે ભગવો છોડીને કોંગ્રેસનો હાથ પકડ્યો છે. બિમલ શાહ પૂર્વ વાહન વ્યવહાર પ્રધાન રહી ચૂક્યા છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં તેમનું પત્તુ કપાયું હતું. ભાજપે ટિકિટ ન ફાળવતાં તેમનો અસંતોષ ખુલીને સામે આવ્યો હતો. અને ત્યારે તેમણે ભાજપ છોડી કપડવંજમાંથી જ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. કપડવંજ બેઠક એવી છે કે જ્યાં શંકરસિંહ વાઘેલા ચૂંટાયા હતા. તેમને જીતાડવામાં બિમલ શાહનો રોલ મહત્વનો રહ્યો હતો. છ અપક્ષ ઉમેદવારોએ બિમલ શાહને ટેકો જાહેર કરી તેમને જીતાડવાના કામમાં લાગ્યા હતાં.

તસવીર: પ્રજ્ઞેશ વ્યાસ