સામાન્ય રીતે લગ્ન પ્રસંગ હોય અને પરિવારમાં દીકરીના લગ્નનો પ્રસંગ હોય અને એથીયે વિશેષ રાજપૂત સમાજમાં દિકરીના લગ્નનો પ્રસંગ હોય ત્યારે ઘર ૫રિવાર માટે સૌથી મોટી મૂંઝવણ હોય તો એ છે દીકરીને આપવામાં આવતો ‘’કરિયાવર’’.
ઘણા માટે આ કરિયાવરમાં દીકરીને શું આપવું એ સમસ્યા પણ બની જતી હોય છે.ઘણા લોકો અઢળક સોનું, ચાંદી ઉપરાંત મોટરગાડી, બંગલા, ખેતર કે ફાર્મ હાઉસ, વિદેશ પ્રવાસના પેકેજ અને લાખો રૂપિયા રોકડ આપીને સંતોષ માને છે, પણ આ ભૌતિક કરિયાવર છે એને ઓગળી જતા કે વિલીન થઇ જતાં કયાં વાર લાગે છે? સૌથી મહત્વનો હોય છે વિદાયની વેળાએ અપાતો સંસ્કાર અને ૫રંપરાનો કરિયાવર….
વાત છે નાના મૌવા ગામના પ્રવિણસિંહજી જાડેજાની પૌત્રી અને હરદેવસિંહ જાડેજા (હાઇસ્કુલના આચાર્ય)ની પુત્રિ ચિ.કિન્નરીબાના લગ્ન પ્રસંગે અપાયેલ અનોખા કરિયાવરની.. આજના દેખાદેખીના યુગમાં પણ કિન્નરીબાએ એક અનોખા કરિયાવરની માગ કરીને સૌને ચોંકાવી દીઘા. એણે કહયું દાદાજી, પપ્પાજી શું તમે મને સાચે જ મારી ઇચ્છા મુજબનો કરિયાવર આપવા ઇચ્છો છો? તો મને સારા પુસ્તકોનો કરિયાવર આપજો….. એ જ મારો સાચો કરિયાવર છે.
જાડેજા ૫રિવારમાં કિલ્લોલ કરતી કિન્નરીબાએ કરિયાવરમાં પુસ્તકો માંગ્યા ત્યારે સૌ કોઇ વિચારતા થઇ ગયા હતા. આ દિકરી અનોખી માટીની છે. એટલે જ તો એને વિઘાર્થી અવસ્થાથી જ પુસ્તકો સાથે પ્રીત છે, શબ્દો સાથે સ્નેહ છે અને વાકયો સાથે વળગણ છે. પુસ્તક વાંચનના શોખથી એનામાં ઘર પરિવાર પ્રત્યે કૃતજ્ઞતા ભાવ, સમાજ અને રાષ્ટ્રપ્રત્યે સમર્પણનો ભાવ અને ઇશ્વર પ્રત્યે અખુટ શ્રઘ્ઘા અને ભકિતનો ભાવ જાગૃત થયો. પુસ્તક વાંચનથી દ્રષ્ટિ બદલાઇ, દ્રષ્ટિ બદલાતા દિશાઓ બદલાઇ, આત્મવિશ્વાસની સાથે જ્ઞાનના પ્રકાશે વકતૃત્વકળા ખીલી. પરિવારનાં સભ્યોએે દીકરીના વિવાહ સંસ્કાર પૂર્ણ કરવા ખોજ શરૂ કરી અને નવા સાંગાણા નિવાસી ભગીરથસિંહજી બહાદુરસિંહજી સરવૈયાના કુંવર ચિ.પૂર્વજીતસિંહજી રૂપી પ્રિતમને પામી.
દીકરી કિન્નરીબાના આ પુસ્તકપ્રેમને વિદાયની વેળાએ યાદગાર બનાવવા એક અનોખા કરિયાવર આપવનો નિશ્ચય પિતા હરદેવસિંહે કર્યો, શીલ અને સંસ્કારની સાથે પુસ્તકોનો કરિયાવર આપવાનો અને પછી પિતાએ દોટ મુકી સોના,ચાંદીના શોરૂમને બદલે બુકસ્ટોલમાં, સાડીને ડ્રેસના શોરૂમના બદલે પુસ્તક મેળામાં, ફુટવેરના શોરૂમના બદલે ચારિત્રનું નિર્માણ કરતી લાયબ્રેરીઓમાં, બ્યુટીપાર્લરને બદલે પુસ્તકવિક્રેતા કે પુસ્તક પ્રકાશક તરફ, પિતાનો આ અનોખા જ્ઞાનયજ્ઞરૂપી કરિયાવરનો સંકલ્પ દ્રઢ બનતાં જ સંકલ્પ થયો કે મારે તો મારી દીકરીને બે,ચાર, પાંચ, પચાસ, સો, કે હજાર નહીં ૫ણ ગાડુ ભરીને પુસ્તકો આપવા છે. ખરીદવા નિકળેલા પિતા જેટ પ્લેનની ઝડપથી ઉત્સાહિત બની પુસ્તકો ખરીદવા લાગ્યા ૨૨૦૦થી વઘુ પુસ્તકો ખરીદાઇ ગયા….. પરંતુ વ્હાલી દિકરી કિન્નરીબાને આ વાતનો અણસાર ૫ણ ન હતો…… કારણ પિતા અને ૫રિવાર એમને સરપ્રાઇઝ આપવા ઇચ્છતા હતાં.
પિતા હરદેવસિંહે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ઉપરાંત સંસ્કૃત ભાષામાં ૨૨૦૦થી વઘુ પુસ્તકો ખરીદી સાચે જ ગાડુ ભરી દીઘુ. ગુજરાતીમાં નરસિંહ મહેતા અને ઝવેરચંદ મેઘાણી, નર્મદથી શરૂ કરી આઘુનિક સાહિત્યકારો ગુણવંત શાહ, જય વસાવડા, મનોજ રાવલ અને કાજલ ઓઝા-વૈદ્યના પુસ્તકો.
હિન્દીમાં ગોસ્વામી તુલસીદાસ અને વેદવ્યાસથી શરૂ કરી સુરદાસ, ભારતેન્દુ હરિશ્ચંદ્ર, જયશંકર પ્રસાદ, મહાદેવી વર્મા, પ્રેમચંદ, દિનકર અને મૈથિલીશરણ ગુપ્ત, ઓશો રજનીશથી માંડી આઘુનિક સાહિત્યકારો ઉષા પ્રિયંવદા, કૃષ્ણા સોબતી, મમતા કાલીયાના પુસ્તકો આપ્યા. અંગ્રેજીમાં સેકસપિયર અને મીલ્ટનથી શરૂ કરી આઘુનિક લેખકો ચેતન ભગત ના પુસ્તકો અને સંસ્કૃતમાં વેદવ્યાસથી શરૂ કરી હર્ષદેવ માઘવના પુસ્તકો કરિયાવરમાં આપ્યા.
રામાયણ, મહાભારત, શિવપુરાણ અને ભગવદગીતાની સાથે સાથે અઢાર પુરાણ, છ શાસ્ત્ર, ચાર વેદ ઉપરાંત ભગવદ ગોમંડલની સાથે ઇતિહાસ , સમાજશાસ્ત્ર , ખગોળશાસ્ત્ર, ભૂગોળ, મનોવિજ્ઞાન , રાજનિતી વિગેરે તમામ શાખાના પુસ્તકો ઉપરાંત દરેક ભાષાના ‘બેસ્ટ સેલર’ પુસ્તકો અને મોટીવેશનલ પુસ્તકો કરિયાવરમાં આપ્યા. કુરાન અને બાઇબલ સહિત તમામ ઘર્મના પુસ્તકો ૫ણ આમા સામેલ હતા.
ચિ.કિન્નરીબાને કરિયાવરમાં અપાયેલ આ ગાડુ ભરીને પુસ્તકોમાંથી પોતાની પસંદગીના પુસ્તકો વિવાહ બાદ કેનેડા સાથે લઇ ગયા. રૂપિયા બે લાખથી વઘુ કિંમતના બાકીના તમામ પુસ્તકો ગામડાનાં પુસ્તકાલયોમાં પિતા હરદેવસિંહે ફ્રીમાં આપી દિકરીના માતા-પિતા માટે એક નવો જ ચીલો ચાતરી કમાલની સાથે ઘમાલ કરી દીઘી. આ વિવાહ પ્રસંગની વિદાય વેળાએ જયારે કિન્નરીબાને ગાડુ ભરીને પુસ્તકો કરિયાવર રૂપે અપાયા ત્યારે વિવાહ પ્રસંગમાં નવો જ ચીલો ચાતર્યો.