વડોદરા શહેર, જિલ્લા સરકારી પ્રાથમિક શાળાઓમાં ‘ક્લાસરૂમ કોઓર્ડિનેશન’નો પ્રારંભ

વડોદરાઃ ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા બહુઆયામી ‘જ્ઞાન સંગમ’ પ્રોજેકટ કાર્યાન્વિત કરાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરામાં આ પ્રોજેક્ટનું તાજેતરમાં લોન્ચિંગ કર્યું હતું. આ પ્રોજેક્ટ અંતર્ગત ‘ક્લાસરૂમ કોઓર્ડિનેશન’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. તેના ભાગરૂપે ખાનગી શાળાના શિક્ષકો સરકારી પ્રાથમિક શાળાની મુલાકાત લેશે અને સાથે સાથે સરકારી પ્રાથમિક શાળાઓમાં અપાતી શિક્ષણ પદ્ધતિ અને ઉપલબ્ધ સુવિધાઓની જાણકારી પણ મેળવશે.

આ પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ તબક્કામાં શિક્ષકો વચ્ચે પરસ્પર પરિચય કેળવવામાં આવશે અને બાદમાં એક વર્ગની શિક્ષણ પદ્ધતિ અને તેના મોડ્યુલને સમજવા ચર્ચા હાથ ધરાશે, એટલું જ નહીં બાળકો સાથે પણ આ શિક્ષકો દ્વારા સંવાદ સાધીને તેની ક્ષમતાના મૂલ્યાંકન કરવાનો પ્રયત્ન કરવામાં આવશે.

આ પ્રોજેક્ટ હેઠળ ખાનગી શાળાના શિક્ષકોએ વડોદરા શહેરની ચાર અને જિલ્લાની છ મળી કુલ ૧૦ સરકારી પ્રાથમિક શાળાની તાજેતરમાં મુલાકાત લીધી હતી. વડોદરા જિલ્લાની નવા શિહોરા, ડભોઇ કન્યા શાળા, ડબકા, કરજણ જલારામનગર પ્રાથમિક શાળા, બિલ, લીમડા અને દુમાડ ગામની પ્રાથમિક શાળા ઉપરાંત શહેરની કવિ દુલા કાગ, સયાજીગંજ, સમા પ્રાથમિક શાળાની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં કેજીઆઇટી, નોબલ, જૈન સ્કૂલ, નવરચના, અંબે વિદ્યાલય, ઊર્મિ સ્કૂલ, એમિકસ શાળાના શિક્ષકો આ જ્ઞાન સંગમ પ્રોજેક્ટમાં જોડાયા હતા.

‘જ્ઞાન સંગમ’ પ્રોજેક્ટ અંતર્ગત ૩૦૦થી વધુ છાત્રો ધરાવતી વડોદરા શહેરની ૬૦ અને જિલ્લાની ૮૩ શાળાઓ મળી કુલ ૧૪૩ સરકારી પ્રાથમિક શાળાઓ અને ખાનગી શાળાઓ વચ્ચે શૈક્ષણિક પદ્ધતિઓનું આદાનપ્રદાન કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં શહેરની ૨૯ અને ગ્રામ્યની ૧૮ સહિત કુલ ૪૭ ખાનગી શાળાઓના શિક્ષકો પોતાની આવડત અને કૌશલ્યનો લાભ સરકારી પ્રાથમિક શાળાને આપવાના છે.જેમાં વડોદરા શહેરના ૨૭,૪૮૯ અને જિલ્લાના ૩૩,૬૩૮ સહિત કુલ ૬૧,૧૨૭ વિદ્યાર્થીઓને ખાનગી શાળાઓના શ્રેષ્ઠ શિક્ષકોના જ્ઞાનનો લાભ મળશે.