વડોદરામાં 4 બિલ્ડર ગ્રુપ પર આવકવેરાના દરોડા

વડોદરા: દિવાળીના ચોપડા પૂજન પહેલા જૂના ચોપડા પર આવકવેરાની નજર પડી છે. વડોદરા શહેરના આવકવેરા વિભાગ મોટા દરોડા પાડ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આજે વહેલી સવારે 150થી વધુ આવકવેરા વિભાગના અધિકારીઓની ટીમે 20થી વધુ સ્થળે સામૂહિક દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરના હાઇવે બાયપાસની આજુબાજુમાં સ્કીમો કરનાર બે બિલ્ડર ગ્રૂપને ત્યાં પણ હાલમાં આવકવેરાની કામગીરી ચાલુ હોવાની પ્રાથમિક અહેવાલ છે.

સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના હરણી મોટનાથ મંદિર પાસે નિર્માણ પામી રહેલી રત્નમ ગ્રૂપની સ્કીમના સંચાલક નિલેશ શેઠ તેના ભાઈ પ્રકાશ શેઠ સહિત તેમના ભાગીદારોના નિવાસ્થાન તેમજ ઓફિસોમાં પણ આજે સવારથી જ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. રત્નમ ગ્રૂપ સાથે સંકળાયેલા આર્કિટેક તેમજ અન્ય ફાઈનાન્સરને ત્યાં પણ આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી હોવાનું જાણવા છે. આવકવેરા વિભાગે વહેલી સવારથી શરૂ કરેલી કામગીરીમાં આવકવેરા વિભાગના અધિકારીઓની 150થી વધુ ટીમ એકસાથે  અમદાવાદ, સુરત અને વડોદરામાં વિવિધ સ્થળે કાર્યરત રહી છે. આ દરોડામાં આવકવેરા વિભાગની ટીમોએ બેનામી નાણાકીય વ્યવહારો અને જમીનોની લે-વેચની માહિતી મેળવી છે. આ સાથે મહત્ત્વના દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે. એટલું જ નહીં, કમ્પ્યુટરો તેમજ અન્ય સાધન સામગ્રી પણ જપ્ત કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ સામૂહિક દરોડાની કામગીરી મોડી રાત સુધી ચાલશે તેમ જાણવા મળે છે.