અમદાવાદ- ગુજરાતમાં આવકવેરા વિભાગ દ્વારા પ્રદાન કરવામાં આવતી વિવિધ સેવાઓ વિશે લોકજાગૃતિ અર્થે રાજ્યમાં 18થી 22 જાન્યુઆરી, 2019 સુધી આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો (વીજીજીટીએસ)માં આવકવેરા(ઈન્કમટેક્સ) વિભાગ દ્વારા કરદાતા લોંજ શરૂ કરવામાં આવશે, જેનો ઉદ્દેશ પ્રત્યક્ષ કરવેરાનાં કાયદાઓનું વધારે સારી રીતે પાલન સુનિશ્ચિત કરવા કરદાતાઓને વિવિધ પદ્ધતિઓનો પરિચય કરાવવાનો છે.
અગાઉ નવી દિલ્હી, મુંબઈ, અમદાવાદ, ભુવનેશ્વર અને કોલકાતામાં કેટલીક કરદાતા લોંજ શરૂ કરવામાં આવી હતી. કરદાતા લોંજ, આવકવેરા વિભાગ અને લક્ષિત ગ્રૂપ, શાળાએ જતાં બાળકો અને વિદ્યાર્થીઓ વચ્ચે સંબંધ બનાવવા ઉપયોગી બનશે. આ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રવૃત્તિઓ કરદાતા લોંજમાં હાથ ધરવામાં આવશે.
કરદાતા લોંજમાં સામાન્ય રીતે વિવિધ સુવિધાઓ/પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે, જે નીચે મુજબ છે:
- પાન કાર્ડ, આધાર-પાન લિંકિંગ અને પાન સાથે સંબંધિત પ્રશ્નો માટે અરજી
- ઇ-ફાઇલિંગ અને ફોર્મ 26AS સાથે સંબંધિત પ્રશ્નોનું સમાધાન
- કરવેરા રિટર્ન તૈયાર કરવાની સેવા નિઃશુલ્ક ઉપલબ્ધ થશે
- વિવિધ મુદ્દાઓ પર કરદાતા માટેની માહિતી આપતા બ્રોશર, જે ઇ-ફોર્મેટ અને પેપર ફોર્મેટ એમ બંનેમાં ઉપલબ્ધ થશે
- ક્લીન મની મૂવમેન્ટને ટેકો આપવા ઓનલાઇન પ્રતિજ્ઞા
- યુવા મુલાકાતીઓને આવકવેરાની ચૂકવણી કરવાનું મહત્વ સમજાવવા વર્ચ્યુઅલ રિયાલિટી ગેમ (સાયકલ અને કાર ગેમ)
- નુક્કડ નાટક, ક્વિઝ, મેજિશિયન અને કેરિકેચર આર્ટિસ્ટ વગેરે જનતાને કરવેરાની ચૂકવણી કરવાની અને રાષ્ટ્રનિર્માણમાં તેમનાં યોગદાન વિશે જાગૃત કરશે
- પુખ્ત વયની વ્યક્તિ સાથે મુલાકાત લેનારા બાળકો માટે ચિત્રસ્પર્ધા
લોંજનો ઉપયોગ કરદાતાઓને પડતી સમસ્યાઓ અંગે તેમની પાસેથી પ્રતિસાદ મેળવવા માટે પણ થશે. એટલે લોંજ લોકસંપર્ક કાર્યક્રમ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથોસાથ ગુજરાતનાં નાગરિકો વચ્ચે આવકવેરા વિભાગની બ્રાન્ડ વેલ્યુ વધારવા માટેનો મંચ બની રહેશે.