અમદાવાદ: ભારત માટે એક મહત્વપૂર્ણ પગથિયું સમાન, કોરિયા પ્રજાસત્તાકના રાજદૂત લી સીઓંગ હો અને કોરિયાની ટીમની ઉપસ્થિતિમાં “ખંભટ્ટા ઇટર્નલ આઇ” નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સાથે જ “વિઝન ઓન વ્હીલ્સ” ને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું, જે દૃષ્ટિ ખોઇ બેઠેલા દર્દીઓ માટે નવાં આયામ ખોલી દેશે. આ પહેલ, જે કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ અને દ્રષ્ટિ બચાવવાની માનવતાવાદી સેવાની દિશામાં એક સીમાચિહ્નરૂપ કાર્ય છે, બારેજા સ્થિત આંખની હોસ્પિટલમાં સંપૂર્ણપણે મફતમાં ઉપલબ્ધ છે.
આ પ્રસંગે અરીઝ ખંભટ્ટા બેનેવોલન્ટ ટ્રસ્ટ અને ખંભટ્ટા પરિવાર દ્વારા ઉદારતાથી આ પ્રોજેક્ટને સમર્થન આપવામાં આવ્યું. આ ઉદ્દઘાટન પ્રસંગે રસના ઇન્ટરનેશનલના ચેરમેન પીરુઝ ખંભટ્ટા, ટ્રસ્ટ સંચાલક બિનૈશા ખંભટ્ટા, તેમના પરિવારના સભ્યો અને BPA (Blind People’s Association) ના વરિષ્ઠ અધિકારીઓની હાજરી હતી. કોર્નિયા ડેમેજ થવા પર દર્દીઓને દૃષ્ટિ ગુમાવવાનો મોટો ખતરો રહે છે. કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ એ એકમાત્ર વિકલ્પ છે જેની મદદથી દર્દી ફરીથી જોઈ શકે. બારેજા હોસ્પિટલમાં આંખ બેંકની સુવિધા પણ ઉપલબ્ધ છે, જે દાતા દ્વારા આપવામાં આવેલી આંખની કીકીના સંગ્રહ અને પ્રોસેસિંગ માટે ખાસ રચાઈ છે.
ઉદ્ઘાટન પ્રસંગે કોરિયન રાજદૂત લી સીઓંગ હો એ ગુજરાતમાં પરોપકાર અને સામાજિક જવાબદારીની સરાહના કરી. તેમણે જણાવ્યું કે, “કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા દૃષ્ટિ બચાવવી એ માનવતાવાદી સેવા છે. લોકોમાં આંખ દાનની વિભાવના જાગૃત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.” બિનૈશા ખંભટ્ટા એ અરીઝ ખંભટ્ટા બેનેવોલન્ટ ટ્રસ્ટ ની માનવતાવાદી પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી અને આંખ દાન પ્રચારની પ્રક્રિયાને સતત પ્રોત્સાહન આપવાની ખાતરી આપી. આ પ્રસંગે BPA પ્રમુખ રાજેન્દ્ર શાહ, જનરલ સેક્રેટરી ડૉ. ભૂષણ પુનાની અને BPA ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રીમતી નંદિની રાવલ હાજર રહ્યા હતા.”વિઝન ઓન વ્હીલ્સ” પ્રોજેક્ટ દૃષ્ટિ વિહોણા દર્દીઓ સુધી આધુનિક તબીબી સારવાર પહોંચાડવાનો પ્રયાસ કરશે, જેથી જે દર્દીઓ હોસ્પિટલ સુધી નહીં પહોંચી શકે, તેઓ પણ આસાનીથી નિષ્ણાત સારવાર મેળવી શકે.આ પહેલ દ્વારા ગુજરાત અને સમગ્ર દેશમાં દૃષ્ટિ સંબંધી સમસ્યાઓ માટે વધુ અસરકારક ઉકેલ લાવવામાં સહાય મળશે.
