ચિમનલાલ ત્રિવેદીના પુસ્તકનું વિમોચન

અમદાવાદઃ ગુજરાતી ભાષાના જાણીતા સંપાદક, વિવેચક અને લોકપ્રિય અધ્યાપક સ્વ. ચિમનલાલ ત્રિવેદીએ એમની જિંદગીનાં અંતિમ વર્ષોમાં દિલ્હીની સાહિત્ય અકાદમીના રાઇટર્સ રેસિડન્સી પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર કરેલા પુસ્તક ‘અર્વાચીન ગુજરાતી કવિતામાં છંદનિરુપણ અને છંદપ્રયોગો’ ના વિમોચનનો એક સમારોહ 29 જાન્યુઆરીના રોજ યોજાયો હતો. જ્ઞાનપીઠ એવોર્ડવિજેતા રઘુવીર ચૌધરીએ પુસ્તકનું વિમોચન કર્યું હતું. સાહિત્યકારો પ્રફુલ્લભાઈ રાવલ અને રમણભાઈ સોની આ કાર્યક્રમમાં ‘અતિથિ વિશેષ’ તરીકે હાજર રહ્યા હતા.

રઘુવીરભાઈએ ચિમનભાઈ ‘એક વ્યક્તિ તરીકે’ વિશે વાતો કરી હતી અને તેમનામાં રહેલા માનવીય ગુણોને યાદ કર્યા હતા. ચિમનભાઈ એક વિવેચક તરીકે  કૃતિનું મૂલ્યાંકન કરતા અને સમભાવ રાખીને હંમેશાં પરિસ્થિતિની ગૂંચ ઉકેલતાં એમ પણ જણાવ્યું હતું. જુદા-જુદા લેખકોએ તેમની કૃતિઓમાં પ્રયોજેલા છંદો વિશે વિશદ્ રીતે વાત કરી હતી.

રમણભાઈ સોનીએ ચિમનભાઈના Ph.D.ના વિદ્યાર્થી તરીકેનાં સ્મરણો વાગોળ્યાં. તેમણે એક 1953માં લખેલા ચિમનભાઈએ લખેલા ‘પિંગળ શાસ્ત્ર’માં પુસ્તકથી લઈને આજે વિમોચન થયેલા પુસ્તકમાં છંદોની વિશદ્ છણાવટ તથા તેનો વિનિયોગ એ પ્રક્રિયા વિશે પણ વાત કરી હતી. ગુર્જર પ્રકાશનના મનુભાઇ શાહે કાર્યક્રમ અને પુસ્તકના વિમોચનની વાતો કરીને ચિમનભાઈ સાથેનાં સંસ્મરણો વાગોળ્યાં હતાં.

ચિમનભાઈનાં દીકરી ડો. અવની ત્રિવેદી-ભટ્ટે આ કાર્યક્રમની ભૂમિકા બાંધતા તેમનાં મૃત્યુનાં આઠ વર્ષ પછી થતા પુસ્તકના પ્રકાશનની વિગતે વાત કરી હતી. ગ્રામ્ય પૃષ્ઠભૂમિમાંથી આવતાં તારાગૌરી અને શહેરમાં ભણીને મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજ અને અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં અધ્યાપક રહેલા ચિમનભાઈના સંતોષી અને સાદગીપૂર્ણ દાંપત્યજીવનની પણ વાત કરી હતી.

ચિમનભાઈનાં બીજા દીકરી તર્પણા વ્યાસે આ કાર્યક્રમને શક્ય બનાવનાર તમામ અતિથિઓનો આભાર માનીને સ્વ. ચિમનભાઈનાં દીકરી હોવા વિશે આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.