ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને તાજેતરમાં યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. આ નિર્ણય મુજબ, છઠ્ઠા અને સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્યના કર્મચારીઓને કેન્દ્ર સરકારના ધોરણો મુજબ મોંઘવારી ભથ્થામાં વધારો 1 જાન્યુઆરી, 2025થી આપવામાં આવશે. આ નિર્ણયની જાહેરાત રાજ્યના આરોગ્ય મંત્રી અને સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કરી હતી.
આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, સાતમા પગાર પંચ હેઠળ લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓ માટે આ વધારો 6 ટકા રાખવામાં આવ્યો છે. આ વધારાને કારણે થનારી મોંઘવારી ભથ્થાની તફાવતની રકમ, એટલે કે 1 જાન્યુઆરી, 2025થી 31 માર્ચ, 2025 સુધીના ત્રણ મહિનાની બાકી રકમ, એક હપ્તામાં એપ્રિલ 2025ના પગાર સાથે ચૂકવવામાં આવશે.
આ નિર્ણયનો લાભ રાજ્ય સરકારના લગભગ 4.78 લાખ કર્મચારીઓ, જેમાં રાજ્ય સરકાર, પંચાયત સેવા અને અન્ય વિભાગોના કર્મયોગીઓનો સમાવેશ થાય છે, તેમજ અંદાજે 4.81 લાખ નિવૃત્ત કર્મચારીઓ (પેન્શનરો)ને મળશે. આ નિર્ણયના અમલીકરણ માટે રાજ્ય સરકાર એરિયર્સના ચુકવણી પેટે 235 કરોડ રૂપિયા અને વધારાના વાર્ષિક પગાર ભથ્થા તથા પેન્શન માટે 946 કરોડ રૂપિયાનું બજેટ ફાળવશે.
રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણયને અમલમાં મૂકવા માટે નાણાં વિભાગને જરૂરી આદેશો જારી કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે. આ નિર્ણય રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરોના આર્થિક હિતોને મજબૂત કરવાની દિશામાં એક મહત્વનું પગલું ગણાવામાં આવી રહ્યું છે.
