રાજકોટ: વરસાદી સીઝન છે અને રોડ માર્ગે ભરાયેલાં પાણીનો સામનો કરવાનું ટાળવા વિમાનમાર્ગે મુંબઈ જવાનું વિચારતાં હો તો આ સમાચાર ખાસ છે.રાજકોટથી મુંબઈની ફ્લાઈટમાં જુલાઈ માસથી કાપ મૂકાયો છે. આજથી સપ્તાહમાં ત્રણ જ દિવસ ફ્લાઈટ ઉડાવવામાં આવશે. 8થી 15 ઓગસ્ટ દરરોજ ફ્લાઈટ ઉડાવ્યા બાદ 16 ઓગસ્ટથી ફરી આ ફ્લાઈટને સપ્તાહમાં ત્રણ દિવસ કરી દેવામાં આવી છે.
15 સપ્ટેમ્બર સુધી રાજકોટથી મુંબઈની ફ્લાઈટ સપ્તાહમાં ત્રણ દિવસ જ ઉડાન ભરશે. મુંબઈ બાદ હવે દિલ્હીની ફ્લાઈટ પણ દરરોજને બદલે સપ્તાહમાં ત્રણ જ દિવસ ઉડાવવા નિર્ણય કર્યો છે. રાજકોટથી મુંબઈ માટે મંગળવાર, ગુરુવાર અને શનિવારે જ ફ્લાઈટ ઉપડશે.
આ ટ્રેનો પણ રદ છે…
સૌરાષ્ટ્રમાં સાતમઆઠમનો મોટો તહેવાર આવી રહ્યો છે તે ટાંકણે જ આ ખબર સામે આવી રહ્યાં છે.રાજકોટથી ઉપડતી ટ્રેન નં. 17017 રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસને તારીખ 19, 21 અને 22 તારીખે રદ કરાતાં હજારો યાત્રિકોને મુશ્કેલી પડી છે. જન્માષ્ટમીના તહેવાર સમયે જ એકસાથે સપ્તાહમાં ત્રણેય દિવસની ટ્રેન રદ કરી દેવાતા મુસાફરો ટ્રેનના અભાવે રઝળી પડે તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે.
સેન્ટ્રલ રેલવેમાં સ્થિત વાડસિંગે અને ભાલવાની સ્ટેશનો વચ્ચે ચાલી રહેલા ડબલ ટ્રેક કામગીરીને કારણે મોટો બ્લોક લેવાયો છે. જેની અસર રાજકોટ રેલવે ડિવિઝનની આવતા સપ્તાહની ત્રણ ટ્રેનને અસર થઇ છે. રાજકોટથી ઉપડતી ટ્રેન રદ કરવાને પગલે પરતમાં તારીખ 17, 19 અને 20 ઓગસ્ટે સિકંદરાબાદથી ઉપડતી સિકંદરાબાદ-રાજકોટ એક્સપ્રેસ ટ્રેન પણ રદ કરવામાં આવી છે.