કોરોના ઘરની ડિઝાઇનને કેવી રીતે બદલી શકે? 

ન્યુ નોર્મલ એટલે કે નવા સામાન્ય દિવસો કેવા હશે? રોગચાળા પહેલાં આપણે જે રીતે જીવતા હતા એવા જ? માસ્ક વિના, શારીરિક અંતર વિના, અવરોધો વિના હોટેલ-રેસ્ટોરાં, મેળાવડા, થિયેટરો, રમતગમતના કાર્યક્રમો, મૂવીઝ બધી જ જગ્યાએ અજાણ્યાની વચ્ચે વિના સંકોચ અને વિના એકદમ આત્મીયતાથી હાથ મેળવી કે ભેટીને મળવાનું શક્ય બનશે? આપણે સૌ એવું માનીને બેઠા છીએ કે એક વાર રસી આવી જશે એટલે પહેલાંની જેમ ‘જૈસે થે’ એવા જીવનમાં આવી જઈશું અને બધું સામાન્ય થઈ જશે.

સંપત્તિની અસમાનતાના વધી

પરંતુ આવા દિવસો પરત આવવા એ કોઈ જાદુથી ઓછું નથી લાગતું. ન્યુ નોર્મલ સાવ નજીક તો સંભવ જ નથી લાગતું. માનો કે થોડા મહિનામાં કોરોનાને અસરકારક રીતે કાબૂમાં લઈને એની અસરકારકતા ઘટાડી દઈએ તો પણ આપણે છાતી ઠોકીને એમ કહી ન શકીએ કે આગામી વૈશ્વિક રોગચાળા પહેલાં અમારી પાસે બીજી સદી છે. પાછલાં 20 વર્ષોમાં, આપણે ઘણા રોગચાળા જોયા છે- ઇબોલા, એવિયન ફ્લુ, સ્વાઇન ફ્લુ વગેરે…એ પણ તો વૈશ્વિક રોગચાળા જ હતા.

અલબત્ત, એ બધાની કોરોના જેવી વ્યાપકતા ન હતી. વિકાસની જે દિશા આપણે પકડી છે પછી દશા તો બગડી જ છે અને આપણો વિકાસ પ્રાણી- વન્ય જીવની એટલી નજીક પહોંચ્યો છે કે પ્રાણીઓમાંથી રોગ હવે માણસ સુધી પહોંચી રહ્યા છે. આવો જ વિકાસ જો આપણે ચાલુ રાખીશું તો અત્યારે છે એનાથી પણ પ્રાણઘાતક રોગચાળો આવી શકે છે. આ રોગચાળાએ વૈશ્વિક રોગચાળો વૈશ્વિક સ્તરે સંપત્તિની અસમાનતાના વધતા અંતરને ખુલ્લો પાડ્યો છે.

કોવિડ પછીની દુનિયામાં નવા પ્રોજેક્ટ્સ કેવા હશે?

ખેર, જો એમ જ લાગતું હોય કે જો આપણે પહેલાં જેવા જીવનમાં પરત નથી ફરવાના તો ક્યાં જઈશું?  આ પ્રશ્ન તો વિશ્વ બહારના આર્કિટેક્ટ અને બિલ્ડિંગ ડિઝાઇનર પૂછી રહ્યા છે. આ પ્રશ્નનો ઉત્તર શોધવા માટે કેટલાય અભ્યાસ થઇ રહ્યા છે, લેખ લખાઈ રહ્યા છે. આપણે કોઈ આર્કિટેક્ટ કે એન્જિનિયરને ઘરની ડિઝાઇન બનાવવા આપીએ તો ઘર કેવું દેખાશે, એનું બાહ્ય સૌંદર્ય જ નહિ પણ એની અંદર રહેનારની સુવિદ્યા અને સુગમતાનું પણ ધ્યાન રાખવાની જવાબદારી છે અને હવે એમાં સ્વસ્થ ઘરની ચિંતા પણ કરવાની જવાબદારી રહે છે. ઘરની અંદર રહેનાર તેમાં શું કરશે, તેની આજુબાજુની જગ્યામાં, તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તેની સામગ્રી, તેના સંકેત, પર્યાવરણ પરની અસરમાં તે કેવી રીતે ફિટ થશે. કોવિડ પછીની દુનિયામાં નવા પ્રોજેક્ટ્સ શરૂ થતાં ડિઝાઇનર્સ અને આર્કિટેક્ટ આ નવી રીતની જીવનશૈલી તરફ આગળ વધવાની સ્થિતિમાં હશે. એની સામે પરંતુ પરવડે તેવાં મકાનો (એફોર્ડેબલ હાઉસિંગ) બનાવવામાં સંતુલિત ડિઝાઇન, નીતિ અને બજારની સ્થિતિ હંમેશા મુશ્કેલ રહે છે.

પ્લેગ પછી ગંદુ-ગોબરું શહેર એકદમ બેઠું થયું

આ કંઈ નવી વાત નથી. ભૂતકાળના રોગચાળાએ આર્કિટેક્ચર, ડિઝાઇન અને શહેરી આયોજનમાં મોટા ફેરફારોની પ્રેરણા આપી છે. આધુનિક ગટર વ્યવસ્થા, પહોળા ફૂટપાથ, સ્વચ્છતાને પ્રાધાન્ય જેવા અનેક ફેરફાર આવે છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે સુરત શહેર. 1994-95માં આવેલા શંકાસ્પદ પ્લેગ પછી ગંદુ-ગોબરું શહેર એકદમ બેઠું થયું છે. સાંકડી અને ગંદી ગલીઓ પહોળી થઈ, મુખ્ય માર્ગ પહોળા થયા. ગટર અને પાણીની વ્યવસ્થા ઘર-ઘર સુધી પહોંચી. સ્વચ્છતાને પ્રાધાન્ય મળ્યું , ગંદકી અને ઉંદરથી ફેલાયેલા પ્લેગના કારણે બદનામ થયેલું સુરત આ વર્ષે સ્વચ્છ સર્વેક્ષણ 2020માં સમગ્ર દેશમાં ઇન્દોર પછી ભારતનું બીજા નંબરનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે. પ્લેગ પહેલા કોલેરા, ટીબી અને મલેરિયા જેવા અનેક રોગ વખતે આપણાં ઘરો અને શહેર બદલાતાં રહ્યાં છે એનો લાંબો ઇતિહાસ છે, કોરોના કાળ પછી પણ આપણે સૌએ બદલાવું જ પડશે.

નવા પરિપ્રેક્ષ્યમાં બિલ્ડિંગ ડિઝાઇન

કોરોનાથી સંક્રમિત થયા બાદ જે દર્દીઓ ઘરે સારવાર લઈ રહ્યા કે કોઈ આઇસોલેશન વોર્ડમાં છે એમની સારવારની સાથે એક માર્ગદર્શિકા આરોગ્ય વિભાગ તરફથી આપવામાં આવે છે કે દર્દીને યોગ્ય હવા – ઉજાસવાળા રૂમમાં રાખવા. દર્દીના સ્વાસ્થ્ય માટે કુદરતી હવા ઉજાસ જરૂરી છે એવું દરેક મેડિકલ ગાઈડલાઇનમાં કહ્યું છે. આ વાત સાથે સૌ સંમત છે પણ એનો અમલ થતો નથી. જરા વિચારો તમે જ્યાં રહો  છો એ ઘર જ્યાં કામ કરો છો એ ઓફિસ એમાં કુદરતી હવા-ઉજાસ આવે છે ખરા? જો ન આવતા હોય તો તમે બિનઆરોગ્યપ્રદ વાતાવરણમાં રહો છો એવું કહેવાય. રોગચાળાએ અમને સૌને વધુમાં વધુ બહારની જગ્યાનો ઉપયોગ, તાજી હવા અને કુદરતી તત્વોને પ્રાધન્ય જેવા ફેરફારોને પ્રતિબિંબિત અને પરિપક્વ કરવા અને વેગ આપવા માટે સમય આપ્યો છે. એટલે જ તો વિશ્વભરના આર્કિટેક્ટ – એન્જિનિયર હવે નવા પરિપ્રેક્ષ્યમાં બિલ્ડિંગ ડિઝાઇન વિષે વિચારતા થયા છે. આપણાં મકાન કે ઓફિસ સુંદર જ  પણ હોવાં જ જોઈએ એ સમયની માગ પણ છે. 

કઈ રીતે થશે?  જેની પાસે વિશાળ જગ્યા છે, બજેટની ચિંતા નથી એ તો નવી સ્થિતિ મુજબ પોતાની વ્યવસ્થા કરી લેશે. પરંતુ મુખ્ય પડકાર છે એફોર્ડેબલ હાઉસિંગ સેક્ટરમાં. મર્યાદિત બજેટ અને મર્યાદિત જગ્યામાં કામ કરવાનું હોય છે અહીં.

જાણીતા આર્કિટેક્ટ અને પ્રો. અશોક લાલ ચિત્રલેખાને કહે છે, નાના ઘરની ચાર દીવાલોની બહારની જગ્યાઓને વધુ આરામદાયક અને રહેવા યોગ્ય બનાવવા માટે ડિઝાઇન કરવાનું વધુ મહત્ત્ત્વનું છે – શેડવાળા ઓટલા, નાના શેડવાળા  આંગણા, પેસેજ અને ગલીઓ જેવા શેડવાળા ઓટલા વગેરે – જે ટ્રાફિક, પ્રદૂષણ અને અવાજથી મુક્ત છે. એ જ રીતે છતના ટેરેસને કેટલીક સરળ જાળીઓ દ્વારા સુલભ અને આર્ટ શેડ બનાવવાની જરૂર છે. બાળકો અને વૃદ્ધોને આવાં સ્થાનોની સૌથી વધુ જરૂર હોય છે. ઘરની બાજુમાં ખુલ્લી વહેંચાયેલી જગ્યાઓ પર વ્યક્તિદીઠ છ ચોરસ મીટર જગ્યા મળવી જોઈએ. પ્રો. લાલ જેનો વર્ષોથી આગ્રહ કરે છે એ વાત હવે વિશ્વના લોકો સ્વીકારી રહ્યા છે કે દરેક ઘરમાં વાપરી શકાય એવી બાલ્કની એ હવે હક હોવો જોઈએ, માત્ર લાભ નહિ ખાસ કરીને જ્યાં સંયુક્ત પરિવાર વસતા હોય.

અફોર્ડેબલ હાઉસિંગ માટે તક નથી

પ્રોફેસર અશોક લાલનું માનવું છે કે કોવિડ પછીની સ્થિતિમાં શહેરોમાં અફોર્ડેબલ હાઉસિંગ માટે તક નથી એ ભ્રમ હવે ભાંગી જશે. એફોર્ડેબલ હાઉસિંગ માટે હવે વધુ શક્યતાઓ છે, એનો વિકાસ થશે.જમીન નું અર્થશાસ્ત્ર બદલાશે. સાદા અને સામાન્ય અફોર્ડેબલ ઘર શહેરોના દરેક વિસ્તારમાં બાંધી શકાશે. પ્રો.અશોક લાલની ભવિષ્યવાણી જો સાચી સાબિત થાય તો ભારતમાં બાંધકામ ઉદ્યોગની આખી સકલ જ બદલાઈ જશે. ગુજરાત રાજ્ય સરકારે જે 70 માળની મંજૂરી આપવાની વાત કરી છે એ અફોર્ડેબલ હાઉસિંગમાં ન આવે. કારણ બાંધકામ જેટલું ઊંચું હશે એટલું મોંઘુ થશે. સાથે જ આવી ઊંચી ઇમારતો પર્યાવરણ સમતુલાને અનુરૂપ પણ નથી.

પણ એક વાત બધા જ નિષ્ણાતો માને છે કે કોરોના એ આપણા જીવનને બદલ્યું છે એ હવે વધુ બદલશે. સ્પેનિશ આર્કિટેક્ચર કંપની ઈ-સ્ટુડિયો લમેલાએ કોરોના પછીના એપાર્ટમેન્ટ કેવા હોય શકે તેનો એક મોડેલ જાહેર કર્યું છે. જે મૂળ છ ખ્યાલો/વિચારોના આધારે બનાવાયું છે. નવા એપાર્ટમેન્ટ હવે  હવા, પ્રકાશ, લીલોતરી, સલામતી, કનેક્ટિવિટી અને સુગમતા એની પ્રાથમિકતા અને જરૂરિયાત હશે. કંપનીના કહેવા મુજબ આ ડિઝાઇન તમામ બિનજરૂરી દરવાજા અને દીવાલોને દૂર કરે છે, અને ઓરડાઓ એક લીટીમાં મૂકવામાં આવે છે, જેથી નહિ વપરાયેલી જગ્યા કાપી શકાય, વેન્ટિલેશનમાં સુધારો થાય અને શક્ય તેટલું વધુ પ્રકાશ આપવામાં આવે. આવાં અનેક મોડેલ વિશ્વની અનેક જાણીતી કંપનીઓ મૂકી રહી છે.

જીવલેણ રોગચાળો આવી શકે

વર્લ્ડ ઇકોનોમિક ફોરમનો “2020 ગ્લોબલ રિસ્ક રિપોર્ટ” રજૂ થયો હતો. તેણે ચેતવણી આપી હતી કે હવામાન પરિવર્તન ચેપી રોગકારક જીવો માટે પૃથ્વીના મહેમાન બનાવે છે જેના કારણે જીવલેણ રોગચાળો આવી શકે છે. સ્થિતિસ્થાપકતા એ સદીની બાકીના સમય માટે અતિ મહત્વનો શબ્દ બની રહેશે. ઊર્જા અને પૂરની સ્થિતિસ્થાપકતા દરિયાકાંઠેથી એક મોટા  સ્થળાંતરને પ્રોત્સાહિત કરશે. આ હવામાન પરિવર્તનના કારણે થયેલા શહેરીકરણની લાક્ષણિકતાઓ છે.

હાલની જાહેર આરોગ્ય કટોકટીએ એ હકીકતને વધુ મજબુત બનાવ્યા છે કે તંદુરસ્ત જીવન નિર્વાહ માટે રોગચાળા પછીના સમયગાળામાં હાઉસિંગ સેક્ટરની નીતિ અને હસ્તક્ષેપોમાં ફેરફાર કરવો પડશે. લોકડાઉન દરમિયાન તમામ આવક વર્ગો માટે રહેણાંક જીવન અને મકાનોના થર્મલ આરામનું ધ્યાન કેન્દ્રિત થયું છે, જે સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટ (સીએસઈ) દ્વારા હાથ ધરવામાં આવેલા આવાસ ક્ષેત્રના તાજેતરના અભ્યાસમાં નિર્દેશ કરે છે. આ અભ્યાસ  ‘Beyond the four walls of PMAY: Resource efficiency, thermal comfort and liveability in the affordable housing sector’ના શીર્ષક હેઠળ થયું છે. CSEના અધ્યયનમાં ઇમારતોના થર્મલ આરામને સુધારવા અને ઊર્જા બચત અને તંદુરસ્ત જીવન માટે વાતાનુકૂલિત કલાકો ઘટાડવા માટે સામગ્રી અને આર્કિટેક્ચરલ ડિઝાઇન પર વધુ વ્યાપક માર્ગદર્શિકા અને આદેશો રજૂ કરવાની ભલામણ કરવામાં આવી છે.

જીવન અને જીવનશૈલી જ બદલાયાં

સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી, સુરત સાથે સંલગ્ન આર્કિટેક્ચર કોલેજના આચાર્ય પરસી એન્જિનિયર  બહુ સ્પષ્ટ છે. તેઓ કહે છે આ રોગચાળો ઘર અને બિલ્ડિંગની વિભાવનાને ધરમૂળથી બદલી નાખશે. આપણે ભારતીયોની લાઇફ સ્ટાઇલ આઉટડોર છે, ઘરે ખાવા અને સૂવાનું જ હોય પણ લૉકડાઉન અને આ રોગચાળા એનાથી એકદમ ઊલટું કર્યું. ભારતીયોના જીવન અને જીવનશૈલી જ બદલી નાખી છે. આ છેલ્લા છ મહિના દરમિયાન જોયું છે કે લોકો ઇન્ડોર લાઇફ ક્વોલિટીની ચિંતા કરતા થયા છે, જે પહેલાં કરતા ન હતા. વિશ્વના અન્ય દેશોમાં ઘરના તમામ સભ્યો માટે અલાયદી જગ્યા હોય છે, આપણે ત્યાં જેવી સંકડાશ નથી. આ વર્ક ફ્રોમ હોમ કે લર્ન ફ્રોમ હોમના સમયકાળમાં નાના ઘરના કારણે પ્રાઇવસીના અનેક પ્રશ્નો આવ્યા હતા. હવે જ્યારે નવા ઘર કે બિલ્ડિંગ ડિઝાઇન થશે ત્યારે હાલના અનુભવો એમાં આવશે જ. હવે પછી ડિઝાઇનમાં કોરોના કાળના અનુભવો બહુ સજાગતાથી વિચારવા પડશે અને એની ચર્ચા ચાલુ થઈ જ ગઈ છે. જે વાત થર્મલ કમ્ફર્ટની છે એ તો આવશ્યક છે. મને લાગે છે એન મારો હંમેશાંથી આગ્રહ રહ્યો છે કે આપણે આપણા મૂળ તરફ જવું પડશે. આપણા બાંધકામમાં વપરાતા મટીરિયલ માટે કે પછી એના પ્લાનિંગ માટે, જૂનાં ઘરો કેમ ઉનાળે ઠંડા અને શિયાળે હૂંફાળા લાગે છે? બસ એ જ તો જોઈએ છે. કોરોના ઘણું શીખવી રહ્યો છે.

તારણો તો અનેક નીકળે, પણ આ જાણકારોના મતા મુજબ આપણા રહેઠાણ આરોગ્યપ્રદ ત્યારે જ બનશે જ્યારે એ એનર્જી એફિસિયન્ટ એટલે કે પૂરતા કુદરતી હવા-ઉજાસવાળા હોય. કોરોના પછી એનું હોવું આવશ્યક છે. સાથે જ ઘર અને બિલ્ડિંગ ડિઝાઇન કરતા આર્કિટેક્ટ કે એન્જિનિયરએ હવે બદલાવ લાવવો જ પડશે.

(ફયસલ બકીલી)

( આ લેખ સીએમસ CMS –  સેન્ટર ફોર મિડિયા સ્ટડીઝ અને બીપ  (BEEP – ઈન્ડો-સ્વિસ બિલ્ડિંગ એનર્જી એફિશિયન્ટ પ્રોજેક્ટ) ફેલોશિપ અંતર્ગત લખાયો છે)