હોળી-ધૂળેટી મહોત્સવ: ડાકોરમાં શ્રદ્ધાળુઓનો ધસારો, પદયાત્રીઓની સંખ્યામાં ઘટાડો

ડાકોરમાં હોળી અને ધૂળેટીના પર્વે રણછોડરાયજીના દર્શનાર્થે લાખો શ્રદ્ધાળુઓ ઉમટતા હોય છે. આ વર્ષે હોળી દહનના દિવસે અંદાજે બે લાખ શ્રદ્ધાળુઓએ દર્શનનો લ્હાવો લીધો હતો. ઠાકોરજીને શ્વેત વસ્ત્રોમાં શણગાર કરવામાં આવ્યા હતા અને ભક્તો પર સોનાની પીચકારીથી રંગો છાંટવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષની સરખામણીએ પદયાત્રીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. દર વર્ષે 3-4 લાખ યાત્રાળુઓ આવતાં હોય છે, પરંતુ આ વર્ષે ત્રણ દિવસમાં માત્ર ત્રણ લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવ્યા હતા. મહુધા સુધીનો રૂટ ખાલી જોવા મળ્યો હતો. શ્રદ્ધાળુઓની સંખ્યા ઓછી રહેતાં હંગામી સ્ટોલ ધરાવતા વેપારીઓને નુકસાની વેઠવાનો વારો આવ્યો. પ્રસાદ, અબીલ-ગુલાલ અને ચા-નાસ્તાની દુકાનો પર રાહ જોઈ રહેલા વેપારીઓ માટે આ પરિસ્થિતિ નિરાશાજનક રહી. ફાગણી પૂનમના રોજ ફૂલડોળના દિવસે ભક્તિસભર કાર્યક્રમો યોજાશે અને સંઘો દ્વારા ધજાઓ ચઢાવવામાં આવશે. આ અવસરે વધુ શ્રદ્ધાળુઓની ભીડ એકઠી થવાની શક્યતા છે.