સૂરત- રાજ્યમાં હિંદુ યુવતી અને મુસ્લિમ યુવકના પ્રેમનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. એક પુખ્ત હિંદુ યુવતીએ સૂરત પોલીસને આપેલી અરજીમાં કહ્યું કે, તે એક મુસ્લિમ યુવકને પ્રેમ કરે છે. પરંતુ આ યુવતીએ અનોખી ડિમાન્ડ મૂકી છે. યુવતીએ કહ્યું કે, તે આ યુવક સાથે ત્યારે જ લગ્ન કરશે જ્યારે તે તેમનો ધર્મ બદલશે અને શાકાહાર અપનાવશે.
તેના પ્રેમીની પોલીસ દ્વારા ધરપકડના એક દિવસ બાદ આ યુવતીએ કાટાગ્રામ પોલીસ સ્ટેશન પર આવેદન આપ્યું છે. યુવતીની ઉંમર 18 વર્ષ અને 7 મહિનાની છે. આ પહેલાં યુવતીના ઘરવાળાઓએ તેમની દીકરી ગૂમ હોવાની ફરિયાદ નોંધાવી હતી. 22 એપ્રિલના રોજ આ પ્રેમીપંખીડા નાનપુરા મેરેજ રજિસ્ટ્રી ઓફિસ ખાતે લગ્ન કરવા પહોંચ્યા હતાં. આ વાતની જાણ યુવતીને માતાપિતાને થતાં તેઓ મેરેજ રજિસ્ટ્રી ઓફિસ પહોંચ્યાં હતાં, પરંતુ આ પ્રેમીપંખીડા ત્યાંથી ભાગી ગયાં હતાં.
અટકાયત કર્યાં બાદ પોલીસે આ બંનેને છોડી મુક્યા હતાં. પોલીસે કહ્યું કે, બંન્ને પુખ્ત ઉંમરના છે અને બંને પોતાના માટે જાતે નિર્ણય લઈ શકે છે. જો કે, યુવતી તેમના પરિવાર પાસે પરત જતી રહી છે. ત્યારબાદ યુવતીએ તેમના માતાપિતા અને અન્ય પરિવારના સભ્યોની હાજરીમાં આવેદન આપ્યું છે.
સબ ઈન્સપેક્ટર એ આર રાઠોડે કહ્યું કે, પોલીસને આપેલા આવેદનમાં યુવતીએ કહ્યું છે કે, મુસ્લિમ યુવક સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેવા માટે કરાર થયો છે. તેમણે એમ પણ કહ્યું કે મુસ્લિમ યુવક સાથે લગ્ન કરવા માગે છે. પરંતુ તેમની શરત છે કે, યુવક તેમનો ધર્મ પરિવર્તન કરે અને નોનવેજ ખાવાનું છોડીને શાકાહાર અપનાવે. આ સાથે જ એ વાતનો પણ ભરોસો આપે કે, તે ભવિષ્યમાં ફરીથી ધર્મ પરિવર્તન નહીં કરે અને નોનવેજ ખાવાનું બનાવવા માટે મજબૂર પણ નહીં કરે.
આ પ્રકારનું આવેદનપત્ર સોંપતા યુવતીએ કહ્યું કે, આ આવેદન પત્રની એક કોપી મુસ્લિમ યુવક અને તેમના પરિવારને પણ મોકલવામાં આવે. સૂત્રોના જણાવ્યા અનુસાર યુવક અને યુવતી એક જ મોહલ્લામાં રહેતા હતાં. આ બંનેની 6 મહિના પહેલાં જ એકબીજા સાથે ઓળખાણ થઈ હતી. યુવક એક મ્યૂઝિક બેન્ડમાં કામ કરે છે, જ્યારે યુવતીએ બીકોમ સેકન્ડ યર પછી અભ્યાસ છોડી દીધો છે.
જ્યારે યુવતીના ઘરવાળાઓને આ વાતની જાણ થઈ ત્યારે તે મુસ્લિમ યુવકના પિતા પાસે ગયા હતાં અને આ સંબંધને ખત્મ કરવા કહ્યું હતું. સૂત્રોનું કહેવું છે કે, યુવકના ઘરવાળાઓને પણ આ સંબંધ મંજૂર નથી. તેમણે તેમના દીકરાને ધમકી આપી હતી કે, યુવતી સાથે તમામ સંબંધો પૂર્ણ કરી દે. જો કે, પરિવારની વિરુદ્ધમાં જઈને આ પ્રેમી પંખીડા એકબીજા સાથે લગ્ન કરવા તૈયાર છે.