અમદાવાદઃ અમદાવાદ સહિત રાજ્યમાં ખાડાવાળા રસ્તાઓ, રખડતા ઢોર અને અનિયંત્રિત ટ્રાફિકની સમસ્યા મુદ્દે થયેલી અરજી પર હાઇકોર્ટે લાલ આંખ કરી છે હાઈકોર્ટે કહ્યું છે કે કાયદો તોડવાવાળા બેફામ બન્યા છે. ત્યારે સરકારે કડક હાથે કામ લેવું જોઈએ.
રાજ્યના રખડતા ઢોરનો ત્રાસ હજી યથાવત્. છે. લોકો દારૂ પીને બેફામ ગાડી હંકારે છે. રાજ્યમાં હીટ એન્ડ રન સહિત અકસ્માતના કેસોમાં વધારો થઈ રહ્યો છે. પોલીસ માત્ર અલગ-અલગ ડ્રાઇવ કરીને સંતોષ માને એ પૂરતું નથી. પોલીસે એની સક્રિયતા દાખવવી જોઈએ. ટાયર કિલર્સનો તોડ શોધ્યો તેવા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. બીજી બાજુ, CCTV યોગ્ય રીતે નહીં ચાલતા હોવાની પણ કોર્ટે ટકોર કરી છે.
કોર્ટે નોંધ્યું હતું કે રખડતા ઢોર મુદ્દે સરકાર હજી હળવા હાથે કામગીરી કરી રહી છે. શહેરમાં રસ્તાઓની સ્થિતિ દયનીય છે, જ્યારે રસ્તા ઉપર સામાન્ય રાહદારીને પિક અવર્સમાં ચાલવું દોહ્યલું બની રહ્યું છે. આ સાથે ચાલુ વાહને મોબાઇલનો ઉપયોગ, સીટબેલ્ટ નહીં પહેરવો, રોંગ સાઇડ પર વાહનો, હેલ્મેટ નહીં પહેરવી, ત્રણ સવારીના કેસો, નો-પાર્કિંગ, BRTS લેનમાં ડ્રાઇવિંગ, ઓટોરિક્ષા ડ્રાઇવર સીટ ઉપર મુસાફરો, ભારે વાહનના જાહેરનામા ભંગ, ફેન્સી નંબર પ્લેટ, ઓવરસ્પીડ અને ખતરનાક ડ્રાઇવિંગ અંગેના કેસમાં ટ્રાફિક વિભાગે રૂ. 60 લાખનો દંડ વસૂલ્યો છે, પણ સરકારે ટ્રાફિક વ્યવસ્થા મુદ્દે ઘણી કામગીરી કરવાની બાકી છે.