ભારે વરસાદથી શાકભાજી થયુ મોંઘુ, કોથમીર, આદું અને ટામેટાંએ સેન્ચુરી મારી

અમદાવાદ: આ વર્ષે લલનીનોને કારણે ગુજરાતમાં મેઘ મહેર ‘કહેર’ બની વરસી છે. ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારમાં જનજીવન પણ અસ્ત વ્યસ્ત થઈ ગયુ હતું. તો બીજી બાજું ખેતીને પણ વ્યાપકપણે નુકસાન પહોંચ્યુ છે. શાકભાજીને વ્યાપક  નુકસાન થયુ છે. અવિરતપપણે વરસતાં વરસાદને લીધે શાકભાજીની આવકમાં ધરખમ ઘટાડો છે. આ જોતાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે તેમાંય કોથમીર, આદુ અને ટામેટાંના ભાવે તો સેન્ચુરી વટાવી દીધી છે.

ગુજરાતમાં ઘણાં એવા જિલ્લા છે, જ્યાં 100 ટકાથી વઘુ વરસાદ વરસ્યો છે. હજુય અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે, પરિણામે ચોમાસુ પાક તો તબાહ થયો છે. ખેડૂતોના મોમાંથી કોળિયો છિનવાયો હોય તેવી સ્થિતી સર્જાઇ છે.  ખેતીના સાથે સાથે શાકભાજીને પણ મોટું નુકસાન પહોચ્યું છે. ત્યારે બજારમાં શાકભાજીની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ઉલ્લેખનીય છે કે હવે ટામેટાં પણ કિલોના રૂ.100-120 ના ભાવે વેચાઇ રહ્યાં છે. કોથમીર પણ છુટક બજારમાં 100 રૂપિયે વેચાઇ રહ્યુ છે. ડુંગળીના પણ કિલોના ભાવ રૂ.70 સુધી પહોંચ્યા છે. તો  આદુનો  એક કિલોનો ભાવ રૂ.140 થયો છે. બટાકા પણ કિલોના રૂ.50ના ભાવે વેચાઇ રહ્યાં છે. વરસાદને લીધે ગુજરાતમાંથી જ નહીં, અન્ય રાજ્યમાંથી આવતાં શાકભાજીનો જ્થ્થો પણ ઘટ્યો છે. શાકભાજીના વધતા ભાવોએ રસોડાનું બજેટ ખોરવ્યું છે. વેપારીઓનું કહેવું છે કે, જ્યાં સુધી વઘુ આવક નહી આવે ત્યાં સુધી શાકભાજીના ભાવમાં ઘટાડો થાય તેવા એંધાણ નથી. દિવાળીના તહેવારો નજીક આવી રહ્યાં છે ત્યારે શાકભાજી મોંઘી થઇ છે.