રાજ્યના અનેક જિલ્લાઓમાં માવઠું: કચ્છમાં ધોધમાર વરસાદ

અમદાવાદઃ રાજ્યમાં કાળઝાળ વચ્ચે કમોસમી વરસાદ વરસવાના વાવડ છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસો દરમ્યાન માવઠાની આગાહી કરી છે. રાજ્યમાં પાટણ, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી, બનાસકાંઠા, મહેસાણા, રાજકોટ અને કચ્છ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આ જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં ભારે પવન અને કરાં સાથે વરસાદ વરસ્યો છે. આ કમોસમી વરસાદને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. બીજી બાજુ, વરસાદની સાથે વીજળી પડવાને કારણે પાટણની રાણકી વાવ જોવા આવેલા એક પ્રવાસીનું મોત થયું હતું.

રાજ્યમાં અમરેલી જિલ્લાના ધારી ગીર વિસ્તારમાં આજે સતત ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. સરસિયા, ગોવિંદપુર અને ફાસરિયા સહિત આસપાસનાં ગામડામાં વરસાદ પડ્યો હતો. ખાંભાના અનિડા, સમઢીયાળા સહિત ગામડામાં પણ વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસવાને કારણે ગામના રસ્તાઓ પર પૂરની માફક પાણી વહેતા થયા હતા.

રાજ્યમાં કચ્છ જિલ્લામાં સતત ત્રીજા દિવસે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જિલ્લામાં ત્રણ દિવસથી છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. આજે પણ ભૂજ અને અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. અંજારના રત્નાલ ગામે કરાં સાથે પોણો કલાક સુધી વરસાદ ખાબક્યો હતો.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં બનાસકાંઠા, દાહોદ, સાબરકાંઠા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, વલસાડ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.  જ્યારે આવનારા દિવસોમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠાં, ડાંગ, નર્મદા, તાપી, દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ અને કચ્છમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.