રાજકોટઃ રાજ્યમાં અત્યારે લગભગ તમામ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજકોટમાં પણ મેઘરાજા મહેરબાન બન્યા છે. પ્રાપ્ત થતી આંકડાકીય વિગતો અનુસાર રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 8 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. વરસાદના કારણે શહેરના નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો વરસાદના કારણે આજી-2 ડેમ પણ ઓવરફ્લો થયો છે. તો બીજીબાજુ પડધરીમાં આવેલો ડોડી ડેમ પણ ઓવરફ્લો થયો છે.
રાજકોટમાં ભારે વરસાદને પગલે વિવિધ જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. જેમાં આજી-1 ડેમમાં પોણો ઇંચ વરસાદ, આજી-2 ડેમમાં 9.35 ફૂટ, ન્યારી-1 ડેમમાં અડધો ફૂટ, ભાદર ડેમમાં 0.3 ફૂટ પાણીની આવક થઈ છે. આજી-2 ડેમના પાણીનો સિંચાઈ માટે ઉપયોગ કરવામાં આવતો હોવાથી ખેડૂતોમાં હર્ષની લાગણી વ્યાપી છે.
આજી-2ના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં આવતા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે પાંભર ઈટાળા ગામ ખાતે આવેલો ડોડી જળસંપત્તિ સિંચાઈ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. એક જ રાતમાં આ ડેમ ઓવરફ્લો થઈ જતાં ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી છે. રાજકોટમાં આઠ ઇંચ વરસાદને કારણે ઠેરઠેર પાણી ભરાયા છે. રેલનગર બ્રિજમાં સાત ફૂટ પાણી ભરાયું છે. આ પાણીમાં એક કાર અંડરબ્રિજમાં ગરકાવ થઈ ગઈ છે. અંડરબ્રિજમાં પાણી ભરતા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
રાજકોટમાં ભારે વરસાદને પગલે રોડ-રસ્તાનું ધોવાણ થયું છે. બીજી તરફ રાજકોટ જિલ્લાના હડમતિયામાં ધોધમાર 4 થી 6 ઇંચ વરસાદ પડતા કંકાવટી નદી બે કાંઠે વહેવા લાગી છે. નદી બે કાંઠે વેહતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આ નદી બે વર્ષથી ખાલી પડી હતી. આ વરસાદ થતાં નદીમાં ઘોડાપૂર આવ્યું છે. રાજકોટમાં ભારે વરસાદને પગલે વિવિધ જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. જેમાં આજી-1 ડેમમાં પોણ ઇંચ વરસાદ, આજી-2 ડેમમાં 9.35 ફૂટ, ન્યારી-1 ડેમમાં અડધો ફૂટ, ભાદર ડેમમાં 0.3 ફૂટ પાણીની આવક થઈ છે. આજી-2 ડેમના પાણીનો સિંચાઈ માટે ઉપયોગ કરવામાં આવતો હોવાથી ખેડૂતોમાં હર્ષની લાગણી વ્યાપી છે.
તો દક્ષિણ ગુજરાતમાં પણ અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વલસાડમાં પડેલા ભારે વરસાદ બાદ ત્યાં નુકસાન પણ થયું હોવાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર ખરેરા નદીનો પુલ ડૂબી ગયો છે. વાઘલધરા અને જેસિયા ગામને જોડતો પુલ પણ ડૂબી ગયો છે. ત્યારે પુલ ડૂબવાના કારણે આશરે 8 થી 9 ગામો વચ્ચેનો વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે.
સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદના કારણે ચૂડા અને બલાળા ગામને જોડતુ નાળુ તૂટી ગયું છે. ત્યારે નાળૂ તૂટવાના કારણે બલાળા ગામ વિખુટુ પડ્યું છે. તો છલાળા અને બલાળા ગામ વચ્ચેનો સંપર્ક પણ તૂટી ગયો છે. ત્યારે આ પ્રકારની પરિસ્થિતી સર્જાતા ગામ લોકો મુશ્કેલીમાં મુકાયા છે. એકતરફ ગામની બહાર જવાનો રસ્તો તૂટી ગયો છે અને બીજી બાજુ ગામ સાથે સંપર્ક પણ તુટી જતા અત્યારે મોટી મુશ્કેલી સર્જાઈ છે.
જામનગરમાં પણ ભારે વરસાદ થયો છે. અહીંયા ભારે વરસાદના કારણે ધ્રોલનું લતીપુર ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. અહીંયા નીંચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. તો જામનગર શહેરમાં પણ ગઈકાલે રાત્રીથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદના પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને જનજીવન પર મહદઅંશે અસર પડી છે.
રાજકોટમાં પડી રહેલા ભારે વરસાદના પગલે શહેરના પોપટપરા વિસ્તારમાં આવેલા અંડરબ્રીજમાં પાણી ભરાઈ ગયું હતું. ત્યારે અંડરબ્રીજમાં ભરાયેલા પાણીમાં એક સ્કૂલ બસ ફસાઈ ગઈ હતી. પાણીમાં સ્કૂલ બસ ફસાઈ જતા જીવના જોખમે બાળકોને સ્કૂલ બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.