ગુજરાતમાં એપ્રિલની શરૂઆતથી જ ગરમીનો પ્રકોપ વધ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની ચેતવણી વચ્ચે આજે રાજકોટ અને સુરેન્દ્રનગરમાં તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચ્યું, જેનાથી બંને શહેરો અગનભઠ્ઠીમાં ફેરવાઈ ગયા. રાજ્યના 9 શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું, જે સામાન્યથી 1 થી 5 ડિગ્રી વધારે છે. હવામાન વિભાગે જણાવ્યું કે 10 એપ્રિલ સુધી હીટવેવની અસર રહેશે, ત્યારબાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. આગામી 48 કલાકમાં તાપમાનમાં ફેરફારની શક્યતા ઓછી છે, પરંતુ દરિયાકાંઠે ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે.
આ ગરમીના કારણે રાજકોટના ઉપલેટા તાલુકાના ભાખ ગામે એક દુઃખદ ઘટના બની. ખેતરમાં કામ કરતા 40 વર્ષીય ખેડૂત રામભાઈ શોમજીભાઈ ગણાવાને બપોરે ત્રણ વાગ્યે ચક્કર આવતાં તેઓ ઢળી પડ્યા. મૂળ મધ્યપ્રદેશના વતની રામભાઈ ભાખ ગામે ખેતમજૂરી કરતા હતા. તેમને પ્રાથમિક સારવાર માટે ઉપલેટાની કણસાગરા હોસ્પિટલમાં લઈ જવાયા, પણ સ્થિતિ ગંભીર થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયા. ત્યાં ડૉ. દર્શક મકવાણાએ તપાસ કરતાં તેમને મૃત જાહેર કર્યા. પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી તપાસ શરૂ કરી. રામભાઈના પરિવારમાં ત્રણ દીકરીઓ અને એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી, જેનાથી શોકનો માહોલ છવાયો છે.
આજે કચ્છમાં રેડ એલર્ટ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, રાજકોટ અને મોરબીમાં ઓરેન્જ એલર્ટ જાહેર થયું છે. ગાંધીનગર, સુરત, વલસાડ, સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદમાં યલો એલર્ટ છે. અમદાવાદમાં સતત બીજા દિવસે 43 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યાં છેલ્લા 10 દિવસમાં હીટસ્ટ્રોક અને ડિહાઇડ્રેશનના 232 કેસ નોંધાયા. રાજકોટમાં ગરમીનો પારો 44.2 ડિગ્રીએ પહોંચતાં બપોરે ટ્રાફિક સિગ્નલ બંધ કરાયા અને શાળાઓનો સમય સવારનો કરવામાં આવ્યો.
