અમદાવાદ- પાટીદારો માટે અનામતની માગણી કરીને રાતોરાત લાઈમ લાઈટમાં આવી જનાર હાર્દિક પટેલ આગામી લોકસભા ચૂંટણીમાં ઝૂકાવશે. લખનૌમાં યોજાયેલી એક રેલીમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે ગુજરાતમાં આગામી લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
હાર્દિક પટેલ અમરેલીમાંથી ચૂંટણી લડશે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. તેમ જ પોરબંદર અને મહેસાણા બેઠક પણ હોઈ શકે છે. હાર્દિકની આવી જાહેરાત અંગે કોંગ્રેસ, પાસ અને એસપીજી તરફથી અલગ અલગ પ્રતિક્રિયા આવી રહી છે.
કોંગ્રેસે હાર્દિકના પગલાંને આવકાર્યું
કોંગ્રેસ પાર્ટીએ હાર્દિકના આવા પગલાંને આવકાર્યું છે. સાથે જ હાર્દિક પટેલને કોંગ્રેસ પાર્ટીમાં જોડાવવાની ઓફર પણ કરી છે. જ્યારે પાસ નેતા દિનેશ બાંભણિયા અને એસપીજી (સરદાર પટેલ ગ્રુપ)ના લાલજી પટેલે હાર્દિકના આવા પગલાંને સમાજ સાથે દ્રોહ ગણાવ્યો છે. બંને નેતાઓએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે, અમદાવાદ ખાતે ગત 25મી ઓગસ્ટના રોજ યોજાયેલી રેલીમાં નક્કી કરવામાં આવ્યું હતું કે તેઓ કોઈ પણ પક્ષ સાથે જોડાયા વગર સમાજની સેવા કરશે.
કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ કહ્યું કે, હાર્દિક આંદોલન કરીને રાજનીતિમાં આવે તે આવકારદાયક છે. હાર્દિક કોંગ્રેસમાં જોડાવા માંગતો હોય તો તેનું સ્વાગત છે. કોણ ક્યાંથી ચૂંટણી લડશે તે હાઈકમાન્ડ નક્કી કરતું હોય છે. હાર્દિક પટેલ ગુજરાતમાંથી લોકસભાની ચૂંટણી લડે તે આવકારદાયક વાત છે.
SPG નેતા લાલજી પટેલે કહ્યું કે, હાર્દિક ચૂંટણી લડવા માટે સ્વતંત્ર છે. પરંતુ તેણે પહેલા સમાજના મુખ્ય પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવું જોઈએ. 25મી ઓગસ્ટે મહાક્રાંતિ રેલીમાં નક્કી થયું હતું કે બિનરાજકીય રીતે અમે પાટીદાર સમાજની સેવા કરીશું. મુખ્ય મુદ્દાઓનું નિરાકરણ નથી આવ્યું ત્યારે ચૂંટણી લડવાની જાહેરાત કરવી એ સમાજ સાથે દગો છે.
પાસ નેતા દિનેશ બાંભણિયાએ કહ્યું કે, જ્યાં સુધી સમાજના પ્રશ્નોનું સમાધાન ન આવે, પાટીદાર સમાજનો ઓબીસીમાં સમાવેશ થાય તે માટે સુપ્રીમનો આખરી નિર્ણય ન આવે ત્યાં સુધી અમે ચૂંટણી નહીં લડવાનું વચન આપ્યું હતું. હાર્દિકની આવી જાહેરાતને સમાજ સાથે દ્રોહ કહીશું. જે વ્યક્તિ સમાજ સાથે નથી રહેતો તે વ્યક્તિ ખેડૂતોની સમસ્યા કે પછી સંવિધાન બચાવવાની લડતમાં ન્યાય અપાવી શકે નહીં. હાર્દિકના આવા પગલાંને હું સમાજ સાથે દ્રોહ ગણું છું.