અમદાવાદઃ આજે લોકસભા ચૂંટણી 2019 માટેનાં પરિણામો આવી રહ્યાં છે. આખા દેશની જેમ ગુજરાતમાં પણ ભગવો લહેરાઈ રહ્યો છે અને કોંગ્રેસને પછડાટ મળી છે. ગુજરાત-કોંગ્રેસ દ્વારા લોકસભા ચૂંટણીમાં પ્રચાર માટે હાર્દિક પટેલ પર ઘણો મદાર રાખવામાં આવ્યો હતો. હાર્દિક પટેલને પોતાની સભાઓ માટે હેલિકોપ્ટર સહિતની સુવિધાઓ પણ કોંગ્રેસ દ્વારા આપવામાં આવી હતી અને જનસભાઓમાં કૉંગ્રેસી ઉમેદવારો તરફથી હાર્દિકની માંગ પણ ઘણી હતી, આમ છતા કોંગ્રેસનું હાર્દિક પટેલ ફેક્ટર ગુજરાતમાં ફેઈલ ગયું છે. કોંગ્રેસને ગુજરાતમાં અપેક્ષા મુજબના પરિણામો મળ્યા નથી.
ગુજરાતમાં કૉંગ્રેસની હારને જોતા હાર્દિક પટેલે ટ્વિટ કર્યું છે. ટ્વિટમાં હાર્દિક પટેલે જણાવ્યું કે કોંગ્રેસ નહી પરંતુ બેરોજગારી હારી છે, શિક્ષણ હાર્યું છે, મહિલાઓનું સન્માન હાર્યું છે, સામાન્ય જનતા સાથે જોડાયેલો દરેક મુદ્દો હાર્યો છે. હાર્દિકે પોતાના ટ્વિટમાં કહ્યું કે સાચુ કહીએ તો ભારતની જનતા હારી છે.
મહત્વનું છે કે કોંગ્રેસ દ્વારા લોકસભા ચૂંટણીમાં હાર્દિક પટેલને પ્રચાર માટેની જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ પાસના નેતામાંથી હાર્દિક પટેલ કોંગ્રેસનો હાથ પકડી અને કોંગ્રેસમાં જોડાઈ જતા હાર્દિક પટેલને જે જન સહકાર મળી રહ્યો હતો તેમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. અને સભાઓ દરમિયાન હાર્દિક પટેલનો અનેક જગ્યાએ વિરોધ પણ થયો હતો.
કૉંગ્રેસે સૌરાષ્ટ્રની લોકસભા બેઠકો પર હાર્દિકના પ્રભાવથી લાભ મેળવવાની ગણતરી રાખી હતી, પણ એ નિષ્ફળ ગઈ છે અને પાટિદારો સહિતની ગુજરાતની પ્રજાએ પરંપરાગત રીતે બહુમતી મત તો ભાજપના ખોળામાં જ ઠાલવ્યા છે.